રાજ્યમાં (Gujarat) જ્યારે એકતરફ કોરોનાનો કહેર (coronavirus) વ્યાપી રહ્યો છે ત્યારે વાવાઝોડાનું સંકટ પણ મંડરાઇ રહ્યું છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે. મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને “તૌક્તે” (TAUKTAE) નામ અપાયેલું છે. આ સાયક્લોનની ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (CM Vijay Rupani) સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.
તારીખ 19મીએ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. એક બાજુ, કોરોનાના સંક્રમણને ખાળવા સરકાર સક્રિય બની છે. તો બીજી તરફ, અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ ઉદભવી રહી છે. હવામાન વિભાગની આગાહી છેકે, 14મીએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ અને પશ્ચિમ અરબી સમુદ્રમાં એક પ્રેશર સક્રિય થઇ શકે છે. આ લો પ્રેશર એક્ટિવિટી પર હવામાન નજર રાખી રહ્યુ છે. જયારે 16મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બને તેવી સંભાવના છે. વાવાઝોડુ સક્રિય થયા બાદ કઇ દિશામાં ફંટાશે તે હાલમાં કહી શકાય તેમ નથી.
આ વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે એકશન પ્લાન ઘડયો છે. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું કે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવનાર છે. જ્યાંથી ટાઉતે વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે.