

કોરોનાનું સંકટ વધી રહ્યું છે ત્યારે સરકાર તરફથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક નહીં પહેરતા લોકો માટે આજથી 500 રૂપિયાનો દંડ લેવામા આવશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી એટલે આજથી આખા ગુજરાતમાં લાગુ પડશે. ત્યારે સામાન્ય માણસ પણ માસ્ક ખરીદી શકે તે માટે આજથી આખા રાજ્યના અમૂલ પાર્લર પરથી બે રૂપિયામાં માસ્કનું વિતરણ કરવામાં આવશે.


આ અંગેની માહિતી આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઑગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો તેમ જ જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા આ દંડની રકમ રૂપિયા 200 હતી.. આ સાથે જ રાજ્યના લોકોને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અમૂલના પાર્લર પરથી બે રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્કનું વેચાણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં પણ અમૂલ પાર્લર પરથી લોકો એન 95 અને સર્જિકલ માસ્ક ઓછી કિંમતે મેળવી શકતા હતા.


નોંધનીય છે કે, રાજ્યની સાથે આખા દેશમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. જેના કારણે લોકોને વધારે સાવચેતી રાખવાની જરૂર છે. આ માટે ઘરની બહાર જવા માટે માસ્ક ફરજિયાત છે. સરકારની અનેક અપીલ છતાં લોકો જાહેરમાં નીકળતી વખતે માસ્ક નથી પહેરી રહ્યા. આથી જ સરકારે હવે દંડની રકમ વધારવાની ફરજ પડી છે. સરકારે બહાર નીકળવાની તેમ જ ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી દીધા બાદ લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે કે જાણે રાજ્યમાંથી કોરોના ભાગી ગયો છે.


મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1153 નવા કેસ નોંધાયા છે. જેની સામે 833 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 23 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 284 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 61,438 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,090 છે.