સંજય ટાંક, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં કોરોના વાયરસની (coronavirus second wave) બીજી લહેરએ હાહાકાર મચાવ્યો. અનેક દર્દીઓને સારવાર લેવા માટે હોસ્પિટલમાં (hospital) લાઈનમાં ઉભા રહેવુ પડ્યું તો ઘણા દર્દીઓને હોસ્પિટલ લઈને ગયેલી ખાનગી એમ્બ્યુલન્સએ (Ambulance) તકનો લાભ લઇ દર્દીઓના સગાઓ પાસેથી હજ્જારો રૂપિયા ખંખેરી લીધા. દર્દીઓની આ દર્દનાક દાસ્તાન સાંભળીને નરોડા યુવનનું હૃદય મનોમન દ્રવી ઉઠ્યું અને આ યુવાને પોતાની સ્કોર્પિયો કારને (Scorpio car) ફ્રી એમ્બ્યુલન્સ સેવા માટે સમર્પિત કરી દીધી.
વાત છે નરોડામાં રહેતા પ્રવીણભાઈ પરમારની. જેઓ માટે માનવ સેવા એ જ પ્રભુ સેવા ઉક્તિ બંધ બેસતી છે. કારણ કે તેઓ પોતાનું એક વાહન મૃતકોને અંતિમયાત્રા માટે શબવાહીની તરીકે વર્ષોથી નિઃશુલ્ક સેવા તરીકે ચલાવે છે. અને હાલમાં કોરોનાની આ મહામારીમાં પરિવારના સભ્યો ઈચ્છે તો પણ પોતાના સગાની સેવા કરી શકતા નથી તેવી નોબત આવી ગઈ છે. કોરોનાની આ બીજીલહેરમાં સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ જ્યાં જુઓ ત્યાં બેડ ફૂલ અને દર્દથી કણસતા દર્દીઓની કતારો.
એબ્યુલન્સ નોંધાવવા છતાં કલાકો બાદ પણ એમ્બયુલન્સ આવે નહિ. અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક હોસ્પિટલ સુધી લઈ જાય પણ લાંબી લાઈનમાં ઉભા રહેવા હજારો રૂપિયા વેઈટીંગ ચાર્જ વસુલે. આ દર્દીઓ અને તેમના સગાની વ્યથા સાંભળી નરોડના પ્રવીણભાઈ પરમારએ પોતાની સ્કોર્પિયો કાર પણ ફ્રી એમ્બ્યુલન્સ સેવા માટે સમર્પિત કરી દીધી.