

અમદાવાદ : ગુજરાત (Gujarat)માં કુલ કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા 39,280 પર પહોંચી છે. જેમાંથી 2010 લોકોનાં મોત થયા છે, તેમજ 27,742 લોકો સાજા થયા છે. ચોથી જુલાઈ બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દરરોજ 700થી વધારે આવી રહી છે, જે નવમી જુલાઈના રોજ સૌથી વધારે 861 પર પહોંચી છે. બીજી તરફ એક સમયે પોઝિટિવ કેસ મામલે અમદાવાદ સૌથી મોખરે હતું. હવે અમદાવાદની સરખામણીમાં સુરતમાં વધારે કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે એક દિવસને બાદ કરતા સુરત જિલ્લામાં અમદાવાદ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે વડોદરા, રાજકોટ, મહેસાણા સહિતના શહેરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એટેલ કે એક સમયે સૌથી વધારે બીમાર અમદાવાદ હવે સ્વસ્થ થઈ રહ્યું છે અને જે શહેર પહેલા સ્વસ્થ હતા તે હવે બીમાર પડી રહ્યા છે.


અમદાવાદ Vs સુરત : છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કુલ 1,864 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં કુલ 2,410 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 7,257 થયા છે. જ્યારે કુલ મોત 182 થયા છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં 74 લોકોનાં મોત થયા છે, જ્યારે સુરતમાં આ સમયગાળા દરમિયાન 46 લોકોનાં મોત થાય છે. એટલે કે સુરતમાં કેસ વધવા છતાં મોતનો આંકડો સ્થિર છે. જ્યારે અમદાવાદમાં કેસ ઘટવા છતાં મોતનો આંકડા સુરતથી વધારે છે.


10 દિવસમાં પોઝિટિવ કેસમાં ઉછાળો : છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો મોતના આંકડામાં જંગી ઉછાળો આવ્યો છે. જુલાઇ મહિનો શરૂ થયો ત્યારથી જ લગભગ દરરોજ 700ની આસપાસ કેસ આવી રહ્યા છે. આ ઉપારાંત આ 10 દિવસ દરમિયાન અમદાવાદ કરતા સુરત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. જ્યારે આ દરમિયાન મોતના આંકડામાં ક્રમશઃ થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સૌથી ઓછા મોત નવમી જુલાઈમાં 15 નોંધાયા છે. જેમાં પાંચ મોત અમદાવાદ અને છ મોત સુરત શહેરમાં નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ સુરત જિલ્લાની સરખામણીમાં ઓછા આવ્યા છે પરંતુ કુલ મોતની સંખ્યા અમદાવાદ જિલ્લામાં વધારે છે.


મે મહિનામાં સૌથી વધારે મોત : ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું હતું. આ મહિનામાં રાજ્યમાં 74 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે છ લોકોનાં મોત નોંધાયા હતા. જ્યારે એપ્રિલ મહિલામાં રાજ્યમાં 208 લોકોનાં મોત થયા હતા. જ્યારે આ મહિલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,321 હતી. મે મહિનાથી ગુજરાતમાં કોરોનાને કેસમાં મોટો ઉછાળો આવ્યો હતો. મે મહિનામાં કુલ 12,399 પોઝિટિવ કેસની સરખાણીમાં અત્યારે સુધી સૌથી વધારે 824 મોત નોંધાયા છે. જ્યારે જૂન મહિનામાં સૌથી વધારે પોઝિટિવ 15,849 કેસ સામે આવ્યા હતા. જેની સરખામણીમાં મોતનો આંકડો થોડો ઘટીને 810 રહ્યો હતો. નવમી જુલાઇ સુધી કુલ 6,637 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 162 લોકોનાં મોત થયા છે. જો આ પ્રમાણ જળવાઈ રહેશે તો પોઝિટિવ કેસની સંખ્યામાં આ મહિને સૌથી વધારે હશે, જ્યારે મોતની સંખ્યામાં ઘડાડો થવો શક્ય છે.


પ્રથમ મોતથી અત્યાર સુધીની સ્થિતિ : ગુજરાતમાં કોરોનાને કારણે પાંચમી માર્ચના રોજ પ્રથમ મોત નોંધાયું હતું. જે બાદમાં મોતનો આંકડો 100 સુધી પહોંચતા 47 દિવસ લાગ્યા હતા. 100 મોતમાંથી 500 મોત સુધી આંકડો પહોંચતા 19 દિવસ લાગ્યા હતા. જ્યારે 500માંથી 1000 મોત થતા ફક્ત 19 દિવસ જ લાગ્યા હતા. એક હજારથી 1200 મોત થતાં છ દિવસ લાગ્યા હતા. 12 જૂનના રોજ 1400 મોત હતા જે 1600 થતાં ફક્ત પાંચ દિવસ લાગ્યા હતા. જ્યારે 19 જૂન બાદ મોતનું પ્રમાણ ઘટ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. કારણ કે 19 જૂન બાદ 200 મોત થતાં નવ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્યાર બાદ 200 મોત થતાં આશરે 11 દિવસ લાગ્યા છે.


ગુજરાતમાં કોરોનાની સ્થિતિ : ગુજરાતમાં નવમી જુલાઈ સુધી કુલ 39,280 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2010 દર્દીનાં મોત થાય છે અને 27,742 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 22,580 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 1,506 દર્દીનાં મોત થાય છે. અમદાવાદ જિલ્લામાં 17,502 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અમદાવાદ બાદ સૌથી વધારે પોઝિટિવ કેસ સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 7038 છે, જ્યારે 206 લોકોનાં મોત થાય છે. અમદાવાદ બાદ વડોદરામાં સૌથી વધારે 51 મોત થયા છે. જ્યારે ડાંગ અને તાપી જિલ્લામાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું.