

સંજય જોશી, અમદાવાદ: કોરોનાની વેકસીન અંગે તમામ સાયન્ટિસ્ટ અને તબીબોમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ હાલ ગુજરાતમાં કેસોની સંખ્યાએ વેકસીન ટ્રાયલ ત્રીજા ફેઝમાં ચાલી રહી છે. જોકે અમદાવાદની સોલા સિવિલ ખાતે તેનું ક્લિનિકલ હ્યુમન ટ્રાયલ શરૂ કરી દેવાયું છે.


આ વેકસીનના બે ડોઝ સ્વસ્થ લોકોને જ આપવામાં આવશે, અને 1 મહિનાના અંતરે બન્ને લેવાના થાય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાની ટ્રાયલ કો વેક્સિનના કુલ 500 ડોઝ આપવામાં આવેલા છે. પરંતુ વેકસીનની ટ્રાયલ લેવા માંગતા લોકો માટે પણ અનેક મુંજવણ હોવાથી સંપર્ક માટે એક નંબર - 9104553267 જાહેર કરાયો છે.


કો-વેકસીન અંગેની લોકોમાં અણસમજ અંગે સોલા સિવિલ હોસ્પિટલની ઓથોરિટીનું કહેવું છે કે, તેની આડઅસર સહિતની તમામ જવાબદારી સોલા સિવિલની રહેશે. લોકો આ કો-વેકસીન મુકાવવા માટે 18 થી 60 વર્ષની વયના તમામ લોકો હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.


મહત્વનું છે કે, ગુજરાતની 5 અલગ અલગ હોસ્પિટલમાં આ પ્રકારના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 5 વોલિયન્ટિયરને આ ડોઝ આપવામાં આવ્યા છે. ખાસ કરીને આ વોલેન્ટિયર્સની 15 દિવસે તપાસ અને રિપોર્ટ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ વોલેન્ટિયર્સ બનવા ઈચ્છે તેની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. વોલેન્ટિયરનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે. આ સાથે તેનામાં કોઈ એલર્જી છે કે નહીં તેની પણ તપાસ કરાશે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 349 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 219 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 201949 પર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 349, સુરતમાં 278, વડોદરામાં 1169, રાજકોટમાં 127, મહેસાણામાં 45, બનાસકાંઠામાં 57, પાટણમાં 49, ગાંધીનગકરમાં 80, ખેડામાં 30, જામનગરમાં 44, પંચમહાલમાં 27, અમરેલીમાં 26, ભરૂચમાં 26, મોરબીમાં 24, આણંદ અને સુરેન્દ્રનગરમાં 20-20 કેસ નોંધાયા છે.