

સંજય ટાંક, અમદાવાદ : કોરોના કાળમાં જાહેર થયેલા લૉકડાઉનના કારણે ભલભલા લોકો આર્થિક સંકડામણમાં મુકાયા હતા. જેના કારણે વાલીઓ હવે ખાનગી શાળાથી સરકારી શાળા તરફ વળ્યા છે. જેની સીધી અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં જોવા મળી છે. કોર્પોરેશનની મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોએ પ્રવેશ મેળવ્યાનો આંક 17 હજારને આંબી ગયો છે. (પ્રતિકાત્મક તસવીર)


કોરોના કાળ લોકોના નોકરી ધંધા માટે ખરેખર કાળ બનીને આવ્યો છે. ઘણા લોકોએ લૉકડાઉન દરમિયાન નોકરીઓ ગુમાવી છે. તો ઘણાના ધંધા પડી ભાંગ્યા છે. બીજી તરફ ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી મસમોટી ફી વસુલી રહી છે અને આર્થિક ખરાબ સ્થિતિમાં પણ શાળાઓ તરફથી ફી ભરવાનું દબાણ છે. આ ઉપરાંત આ વર્ષે કોરોનાના કારણે લૉકડાઉન જાહેર થતા રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠક માટે થતી ભરતી પ્રક્રિયા પણ થઈ નથી. આવા અલગ અલગ પરિબળો ના કારણે વાલીઓ પોતાના સંતાનોને ભણાવવા સરકારી શાળાઓ તરફ વળ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


હજુ કોરોનાના વધતા કેસની ગંભીર પરિસ્થિતિના લીધે શાળાઓ ખુલી નથી. તે પહેલાં જ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો વધ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં નવા 17,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જેમાં ધોરણ 1માં 14,500 જ્યારે અંગ્રેજી માધ્યમના કેજીના વર્ગોમાં 2500 બાળકોએ પ્રવેશ લીધો છે. ગત વર્ષે જુલાઈ મહિના સુધી 10,500 જેટલા વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 17,000 નવા વિદ્યાર્થીઓ થયા છે. આગામી સમયમાં શાળાઓ ખુલવા સુધીમાં આ આંકડો 20 હજારને આંબી જશે તેવું લાગે છે. જે માટે ખાનગી શાળાઓ દ્વારા ફી માટે થતું દબાણ કારણ તો જવાબદાર છે જ તેમજ કોર્પોરેશન દ્વારા શરૂ થયેલી સ્માર્ટ સ્કૂલના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. (પ્રતિકાત્મક તસવીર)


એક સમય એવો આવી ગયો હતો કે લોકો પોતાના બાળકોને સરકારીની જગ્યાએ ખાનગી શાળામાં મુકવા લાગ્યા હતા. પણ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલમાં ખાનગી શાળાને ટક્કર મારે તેવું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે એડમિશન વધતા સ્કૂલબોર્ડ સત્તાધીશોનો ઉત્સાહ બેવડાયો છે.(પ્રતિકાત્મક તસવીર)