

સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં કોરોનામાં લોકડાઉનને કારણે ગરીબ બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી BOBએ અધધ 65 ટકા ટ્રાન્જેક્શન ચાર્જ કાપતા વિવાદ સર્જાયો છે. જેને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ BOBના અધિકારીને પત્ર લખી કાપેલી રકમ પરત કરવા માંગ કરી છે. કોરોનાના કારણે લોકડાઉન થતા બાળકોને મધ્યાહન ભોજનની સુવિધા પૂરી પાડી ન શકાતા એલાઉન્સ પેટે બાળકોના ખાતામાં રકમ જમા કરાવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો.


જે અંતર્ગત ધોરણ 1 થી 5ના 1 વિદ્યાર્થી દીઠ કુકિંગ કોસ્ટ રૂપે 4.97 રૂપિયા પ્રતિદિન અને ધોરણ 6 થી 8ના 1 વિદ્યાર્થી દીઠ કુકિંગ કોસ્ટ રૂપે 7.45 રૂપિયા પ્રતિદિન જમા કરાવ્યા હતા. આ સિવાય બાળકોને લોકડાઉન દરમિયાન ઘઉં અને ચોખા રાશનની દુકાનથી વિના મૂલ્યે પુરા પાડવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને 1 દિવસ લેખે 50-50 ગ્રામ અને ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓ ને 1 દિવસ લેખે 75-75 ગ્રામ ઘઉં અને ચોખા અપાયા હતા.


ગરીબ બાળકોને આપતા મધ્યાહન ભોજન એલાઉન્સમાં બેન્કે ટ્રાન્જેક્શન ચાર્જ કાપતા વિવાદ સર્જાયો છે. મ્યુનિ. સ્કૂલના બાળકોના નાણાં કાપી બેન્ક ઓફ બરોડા વિવાદમાં આવી છે. શાહીબાગની મ્યુનિ શાળામાં કુકિંગ એલાઉન્સ પેટે અંદાજે 35 હજાર જેટલી રકમ જમા થઈ હતી. આ જમા થયેલ રકમમાંથી BOBએ 65 ટકા જેટલી મોટી રકમ ટ્રાન્જેક્શન ચાર્જના નામે કાપી નાખી છે. ગરીબ બાળકોના ખાતામાંથી હકના નાણાં કાપી લેવાતા શાળાના પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા અને પ્રિન્સિપાલે નગર પ્રાથમિક સમિતિ અમદાવાદના શાસનાધિકારીને જાણ કરી હતી.


આ અંગે સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેનસિંગ તોમરે જણાવ્યું હતું કે હાલ શાસનાધિકારીએ BOBના અધિકારીને પત્ર લખ્યો છે કે 0 બેલેન્સની શરત સાથે બાળકોના ખાતા BOBમાં ખોલાવવામાં આવ્યા હતા. તેમજ વર્ષ 2011માં થયેલ કરારનો પત્ર બેંકને ફરિયાદ સાથે મોકલ્યો છે. શાસનાધિકારીના પત્ર લખ્યાના 20 દિવસ થવા છતાં બેંકે કાપેલા નાણાં પરત કર્યા નથી. મહત્વની વાત એ છે જે કોર્પોરેશન સંચાલિત અમદાવાદમાં 368 શાળાઓ છે. જેમાં અંદાજે 1 લાખ 20 હજાર જેટલા ગરીબ બાળકો અભ્યાસ કરે છે. નગર પ્રાથમિક શાળા સમિતિ અમદાવાદ ને ટ્રાન્જેક્શન ના રકમ કપાયાની એક બાદ એક ફરિયાદ મળી રહી છે. જેથી સ્કૂલ બોર્ડે પણ આ મામલે ગંભીરતાથી નોંધ લીધી છે.