

નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે, અને જેમાં એક વ્યકિતને લાલચ ભારે પડી ગઈ છે. બે અજાણ્યા શખ્સો સોનુ કહીને નકલી ધાતુ પધરાવી ગયા અને હવે રોવાનો વારો આવ્યો છે.


ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી છે કે, મનિષ બાવરીના નામ શખ્સે તેમને બે કિલો સોનાની માળા હોવાનુ કહી તેમની પાસેથી 1.70 લાખ લઈ ગયા, પરંતુ જ્યારે તેમણે તપાસ કરી તો જાણવા મળ્યુ તે માળા નકલી છે અને જેના કારણે તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.


મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતા ફરિયાદી દલપતસિંહ રાજપુત પોતાના ભાઈ સાથે રહે છે અને મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરે છે. ગત 21-2-2020ના રોજ દુકાનમાં હતા ત્યારે બે લોકો આવ્યા અને એક ઈયરફોન લેવાની વાત કરી હતી. ઈયરફોન જોતા જોતા આરોપીઓએ જણાવ્યુ કે, તેમની પાસે વિકટોરિયા છાપના ચાંદીના સિક્કા છે અને એક બે કિલોની સોનાની માળા પણ છે, અને રુપિયાની જરુર છે જેથી લઈ લો. સતત 3 માર્ચ સુધી આરોપી ફરિયાદીની દુકાને આવતા હતા અને સોનુ લઈ લેવાની વાત કરી રહ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


આ સમગ્ર મામલે ફરિયાદીએ પોતાના પિતાને વાત કરી અને તેમના પિતાએ સોનુ લેવાની હા કરતા ફરિયાદીના પિતા રાજસ્થાનથી રુપિયા લઈ અમદાવાદમાં આવ્યા અને ગત 4 માર્ચના રોજ આરોપીઓએ કલોલ બ્રિજ પાસે ફરિયાદીને બોલાવી તેમની પાસેથી 1.70 લાખ લઈ સોનુ આપી દીધેલ. ફરિયાદી અને તેમના પિતા અને ભાઈ પરત દુકાને આવ્યા અને જ્યારે કાળી થેલી ખોલી તેમાંથી જ્યારે સોનુ કાઢ્યુ તો સોનુ નહી પરંતુ નકલી ધાતુ મળી આવ્યું, જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને પોલીસે આરોપી સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.