

પંકજ શર્મા, અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદના વાસણાનો રહિશ જીનય ડગલીએ CBSE બોર્ડની 12 સાયન્સ પરીક્ષામાં 97.2 ટકા મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે. જીનય વગર ટ્યુશને 97.2 ટકા માર્ક્સ મેળવતા શાળા પરિવારમાં પણ ખૂબ જ આનંદ છવાયો છે. જીનયની આ સિદ્ધિને શાળા પરિવારે પણ ખૂબ જ બિરદાવી છે.


જીનય ડગલીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અમદાવાદની બોપલમાં આવેલી તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી છું. CBSE 12 સાયન્સનું પરિણામ આવ્યું છે તેમાં મેં 97.2 ટકા પરિણામ પ્રાપ્ત કર્યુ છે.મારા પપ્પા સિવિલ એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે. પરીક્ષાની તૈયારી વિશે જીનયે જણાવ્યુ હતુ કે હું પાછલા બે-ત્રણ વર્ષના પેપર સોલ્વ કરતો હતો. રોજની 7 કલાકની મહેનત કરતો હતો. JEE પરીક્ષાની પણ તૈયારી કરતો હતો. મને જે પરિણામ પ્રાપ્ત થયુ છે તેમાં શાળા પરિવાર, શિક્ષકોનો મને ખૂબ સારો સહયોગ મળ્યો છે. જેના થકી હું અહી સુધી પહોંચી શક્યો છું.


તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલના ભાગવત રાવત સર , હેમપ્રભા શાહ મેડમ અને રાજેશ પન્વર સરનું ખૂબ સુંદર સહયોગ, માર્ગદર્શન અને શિક્ષણ મળ્યુ છે. હું તેમનો આભારી છું. હવે આગળ મને એન્જિનિયરિંગ લાઈનમાં કરિયર બનાવવું છે. જેના માટે હું હજુ વધુ મહેનત કરીશ.


દરરોજ 7 કલાકનું વાંચન કરવાના કારણે માનસિક રીતે થાકી ન જવાય તે માટે હું હંમેશા મૂડ ફ્રેશ થવા સોશિયલ મીડિયાના સારા ક્રિએટીવ વીડીયો જોતો હતો. ટીવી પણ જોતો હતો. પરીક્ષાની તૈયારીમાં નિયમિતતા જરૂરી હોય છે અને તેની સાથે મજબૂત મનોબળ પણ જરૂરી છે. હું 12 સાયન્સમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને એટલુ જ કહીશ કે દરરોજ સમયબદ્ધ રીતે મહેનત કરશો અને પાછલા વર્ષોના પરીક્ષાના પેપર રિવ્યૂ કરી લેશો તો તમને સફળતા મળવાથી કોઈ રોકી નહી શકે.


ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં બોપલ તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક તેજસ શ્રીધરે જણાવ્યું હતું કે અમને ખૂબ જ ગૌરવ છે કે જીનયે 97.2 ટકા પરિણામ મેળવી શાળા પરિવાર અને અમદાવાદ શહેરનું નામ રોશન કર્યુ છે. અમારી શાળામાં ચાલુ વર્ષનું 100 ટકા પરિણામ આવ્યુ છે. જેમાં 15 વિદ્યાર્થીઓના 95 ટકાથી વધુ પરિણામ આવ્યા છે. જ્યારે 45 વિદ્યાર્થીઓના 90 ટકાથી વધુ પરિણામ આવ્યા છે.અમે વિદ્યાર્થીઓને વધુને વધુ સારુ શિક્ષણ મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં શૈક્ષણિક રીતે તમામ મદદ મળી રહે તેના પર ભાર આપવામાં આવે છે. જરૂર પડે તો વિદ્યાર્થીઓ માટે વધારાના ક્લાસિસ, પ્રોજેક્ટ માટે શિક્ષકોની જે હેલ્પ જોઈએ તે પણ અમે આપીએ છીએ.અમારી પાસે અનુભવી શિક્ષકોનો સ્ટાફ છે. અમે અદ્યતન લેબોરેટરીની પણ સુવિધા વિદ્યાર્થીઓને આપીએ છીએ. સ્માર્ટ અને ઈનોવેટિવ ક્લાસ એ અમારુ જમા પાસુ છે. વિદ્યાર્થીઓ જેટલુ પ્રેક્ટિકલ કરે તેટલુ વધુ સમજી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો માટે ઓનલાઈન કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોડાયેલા રહે છે.