બોમ્બે IITના પ્રોફેસરનું અનોખું મિશન: 10 વર્ષમાં 'બસ યાત્રા' કરીને 1 કરોડ લોકોને સૌરઉર્જા તરફ વાળશે
આગામી 10 વર્ષમાં 1 કરોડ લોકો ઇલેક્ટ્રિકસીટી છોડી સૌર ઉર્જાના વપરાશ તરફ વળે અને પ્રદુષણ મુક્ત પૃથ્વી બનાવવા તરફ એક પ્રયાસ કરે તેવા આશયથી આગામી 10 વર્ષ સુધી આ યાત્રા ચાલશે.


સંજય ટાંક, અમદાવાદ: એનર્જી સ્વરાજ મિશન અંતર્ગત સૌર ઉર્જાના વ્યાપક ઉપયોગ સંદર્ભે બોમ્બે IITના પ્રોફેસર ચેતનસિંગ સોલંકી દ્વારા બસ યાત્રા શરૂ કરાઇ છે. બે મહિના અગાઉ ભોપાલથી નીકળેલી બસ યાત્રા GTU કેમ્પસ અમદાવાદ આવી પહોંચી. આ બસ યાત્રાના માધ્યમથી આગામી 10 વર્ષમાં 1 કરોડ લોકો ઇલેક્ટ્રિકસીટી છોડી સૌર ઉર્જાના વપરાશ તરફ વળે અને પ્રદુષણ મુક્ત પૃથ્વી બનાવવા તરફ એક પ્રયાસ કરે તેવા આશયથી આગામી 10 વર્ષ સુધી આ યાત્રા ચાલશે.


IIT બોમ્બેના પ્રોફેસર ચેતનસિંગ સોલંકી દ્વારા 40 લાખના ખર્ચે બસ તૈયાર કરવામાં આવી છે. તેમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાઈ છે. જેમાં ટીવી, કમ્પ્યુટર પંખા, ટ્યુબલાઈટ, મોબાઈલ ચાર્જિંગ પોટ, રસોડું, ટોયલેટ, સુવા માટે બેડની વ્યવસ્થા ઓફિસનું કામ કરવા ટેબલ અને ખુરશીની વ્યવસ્થા તેમજ સીસીટીવીથી સજજ આ બસ તૈયાર કરાઇ છે. આ તમામ ઘર વપરાશની ચીજવસ્તુઓ જેમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે તે તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સૌર ઉર્જાના માધ્યમથી દિવસ રાત ચાલી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.


જેના માટે 8 સૌર પેનલ લગાડવામાં આવી છે. આ સોલર પેનલના માધ્યમથી ઇલેક્ટ્રિસિટીનો વપરાશ સદંતર ઘટી જાય છે. એનર્જી સ્વરાજ યાત્રાના માધ્યમથી 53 દિવસમાં 6 હજારથી વધુ લોકોનો સંપર્ક કરાયો છે.


3300થી વધુ દિવસો દરમિયાન લાખો લોકોનો સંપર્ક કરી IITના પ્રોફેસર પ્રુથ્વી બચાવવા સાથે વાતાવરણમાં પ્રદુષણ ઘટાડવાનો પ્રયાસ કરશે. સૌર ઉર્જાનો વધુમાં વધુ લોકો વ્યાપક ઉપયોગ કરે એવો પ્રયાસ કરાશે.


આ અંગે GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠએ જણાવ્યું કે, હાલમાં સમગ્ર દુનિયા ક્લાઈમેટ ચેન્જ સામે ઝઝુમી રહી છે. ત્યારે IIT ના પ્રોફેસરે આ યાત્રા શરૂ કરી છે. જેમા ગાંધીજીએ ગ્રામ સ્વરાજની વાત કરી હતી. તેમ ઉર્જા સ્વરાજ મિશન લઈને તેઓ નીકળ્યા છે. તેઓનું માનવું છે કે, હાલ લોકો એનર્જીનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્તપન્ન થઈ રહ્યા છે. જે આવનારી પેઢીને ખતમ કરી નાખશે. તેઓના આ મિશનને લઈને જ મધ્યપ્રદેશ સરકારે ચેતનસિંગ સોલંકીને સૌર ઉર્જાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.