સંજય ટાંક, અમદાવાદઃ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (Board exam) શરૂ થઈ રહી છે. કોરોનાના બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જોકે અમદાવાદમાં (Ahmedabad) આ પરીક્ષા દરમિયાન કરુંણ ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા ગયેલ વિધાર્થીની તબિયત લથડતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ કરુણ ઘટના સામે આવી છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સીએલ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવા ગયેલ ગોમતીપુરના વિધાર્થી અમાન શેખ નામના વિધાર્થીની તબિયત લથડી હતી. તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો સાથે ઉલ્ટી થવાની શરૂ થઈ હતી.
જેના કારણે પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને તાત્કાલિક સારવાર અર્થે સરસપુર વિસ્તારની શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. બાદમાં તેને ફરજ પરના ડોક્ટરએ મૃત જાહેર કર્યો હતો. આ વિધાર્થી ગોમતીપુર વિસ્તારમાં આવેલી એસ.જી.પટેલ હાઈસ્કુલનો વિધાર્થી છે અને ગોમતીપુર વિસ્તારમાં રહે છે.