પંકજ શર્મા, અમદાવાદ: અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભરકુંડા (Bharkunda Village- Ahmedabad)ના ખેડૂત સંજયભાઈ પટેલે તેમના ખેતરમાં શેઢા પર નીલગિરી (Eucalyptus)નું વાવેતર કરી વધારાની આવક મેળવવાનું આયોજન હાથ ધર્યું છે. સંજયભાઈ 40 વીઘા જમીન ધરાવે છે. સામાન્ય રીતે તેઓ ડાંગર અને ઘઉંની ખેતી કરે છે. પરંતુ વન વિભાગ (Forest Department)ના માર્ગદર્શન હેઠળ તેમણે નીલગિરીના 700થી વધુ રોપાનું વાવેતર કર્યું છે. સંજયભાઈએ નવ મહિના પહેલા આ રોપાનું વાવેતર કર્યું હતું. ખેડૂત (Farmers)નો આ વાવેતરનો લાભ ચાર વર્ષના અંતે મળશે. ચાર વર્ષે આ ખેડૂતને નીલગિરીના વાવેતર બદલ લાખો રૂપિાયની આવક મળશે.
સંજયભાઈ ખેડૂતોને અપીલ કરતા કહે છે કે આપણા ખેતરોમાં શેઢા પર જમીન પડતર રહે છે, તેનો ઉપયોગ કરીને આપણે વધારાની આવક મેળવી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ખેડૂતો પરંપરાગત ખેતી સાથે આ પ્રકારની વૈકલ્પિક ખેતી કરી પ્રધાનમંત્રીના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સહભાગી થઈ શકે છે.