

વિભુ પટેલ, અમદાવાદ : કોરોના પોઝિટિવ દર્દી (Corona Positive Patient)ને ત્રણ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. જેમાં હોમિયોપેથી (Homeopathy), આયુર્વેદિક (Ayurvedic) અને એલોપેથી (Allopathy)નો સમાવેશ થાય છે. ડેમાં અમદાવાદમાં લોકોની રોગપ્રતિકારક (Immunity) શક્તિ વધારવા માટે આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કોરોનાનો કહેર વચ્ચે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે ખૂબ જરૂરી છે.


મળતી માહિતી પ્રમાણે આયુર્વેદિક શાખા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા 47 લાખ લોકોને ઉકાળા પીવડાવ્યા છે. સાથે હોમિયોપેથી દવા અપાય છે. આ મામલે અમદાવાદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર એચ.એમ. જોષીએ જણાવ્યું હતું કે, કોરોનામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનું પરિણામ યોગ્ય મળતા સરકાર તરફથી સિવિલ હૉસ્પિટલ, સોલા સિવિલ અને એસવીપી હૉસ્પિટલમાં આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપવા માટે સેવા શરૂ કરવામાં આવી છે.


કોરોના પોઝિટિવ હોય અને સામાન્ય લક્ષણો દેખાત તેવા દર્દીને આયુર્વેદિક, હોમિયોપેથી અને એલોપેથી દવા સાથે અપાય છે. છેલ્લા એક સપ્તાહથી સેવા શરૂ કરાઇ છે. સોલા સિવિલ, સિવિલ હૉસ્પિટલ અને એસ.વી.પી. હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં 1,500 દર્દીઓએ આયુર્વેદિક દવાનો લાભ લીધો છે. જ્યારે 900 દર્દીઓએ હોમિયોપેથી દવાનો લાભ લીધો છે. દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથી અને આયુર્વેદિક દવાનો મહત્ત્વનો ફાળો છે.


1,200 બેડ સિવિલ હૉસ્પિટલ, સોલા સિવિલ અને એસ.વી.પી હૉસ્પિટલમાં ત્રણ ત્રણ ટીમ આયુર્વેદ શાખા તરફથી સેવા આપવા માટે રાખવામાં આવી છે. કોરોના પોઝિટિવ હોય પરંતુ સામાન્ય લક્ષણો દેખાય રહ્યા છે તે દર્દીની તપાસ સિવિલ હૉસ્પિટલના ડૉકટર કરે છે અને દવા આપે છે. સાથે સાથે આયુર્વેદ શાખાના ડોક્ટર પણ તપાસ કરીને આયુર્વેદિક દવા આપે છે.


સમરસમાં બે હજાર દર્દીઓને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા આપવામાં આવી હતી. જેમાં સારા પરિણામ મળ્યા છે. પાંચ આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી 32 લાખ લોકોને આયુર્વેદ દવા અને હોમિયોપેથિક દવાના ડોઝ અપાયા છે. તેમજ એએમસી દ્વારા ધન્વંતરી રથ અલગ અલગ વોર્ડમાં ફરી રહ્યા છે. આ રથમાં આયુષ દ્વારા આયુર્વેદ મેડિસિન રાખવામાં આવી છે.