

ઋત્વીજ સોની, અમદાવાદ: શહેર પોલીસ (Ahmedabad city police) માટે નવું વર્ષ જાણે કે અનેક પડકારો લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ ગુનેગારો એક પછી એક ગુનાઓ (Crime)ને અંજામ આપી રહ્યા છે તો બીજી તરફ આરોપીને પકડવા ગયેલા પોલીસ (Police) પર કાર ચઢાવી દેવાનો બનાવ બનતા ચકરાર મચી ગઈ છે. પોલીસના હાથ ઝડપાયેલા આરોપી પાસેથી રિવોલ્વર (Revolver) સહિતના હથિયારો મળી આવ્યા છે. આ કેસમાં પોલીસે આરોપી અમિન મારવાડી ઇબ્રાહિમ નૂરખા જાટ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.


મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે પોલીસે એક કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલકે કાર રોકી ન હતી. એટલું જ નહીં, પોલીસે પીછો કરી કાર રોકવાનું કહેતા આરોપીએ પોલીસ પર કાર ચઢાવી દીધી હતી. અંતે આરોપી પકડાઈ જતા તપાસ કરતા આરોપી પાસેથી અનેક હથિયારો મળી આવ્યા છે.


વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે લોખંડવાલા પાર્ટી પ્લોટ તરફથી જુહાપુરા રોડ પર એન્ડેવર કાર ચાલક તેની કારમાં હથિયાર સાથે નીકળવાનો છે. જેના આધારે પોલીસે વૉચ ગોઠવી હતી. બાતમીના આધારે પોલીસે કાર રોકતા તેણે કાર રોકી ન હતી. જે બાદમાં પોલીસકર્મીએ કારનો પીછો કરીને કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.


આ બનાવમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિદ્ધરાજસિંહ નામના પોલીસકર્મીને હાથ અને પગના ભાગે ઇજા પહોંચી છે. બાદમાં આરોપી સરખેજ તરફ ભાગી ગઈ ગયો હતો. પોલીસે વધુ ફોર્સની મદદ લઈને આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની કારની તલાસી લેતા તેમાંથી રિવોલ્વર, તલવાર, એક છરી, બે બેઝબોલ મળી આવ્યા છે. હાલ આ કેસમાં પોલીસે આરોપી અમિન મારવાડી ઇબ્રાહિમ નૂરખા જાટની ધરપકડ કરીને તેની સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.