

નવીન ઝા, અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવાર નવાર લાખો રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે અને આરોપીઓ જેલના સળિયા પાછળ જાય છે. દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ અલગ તરકીબ અપનાવતા હોય છે. બુટલેગરો ક્યારેક દવાની આડમાં તો ક્યારેક અનાજની આડમાં ગુજરાતમાં દારૂ લઈને આવતા પકડાઈ જાય છે. આવો જ એક ચાલક બુટલેગર ફરી પોલીસની પકડમાં આવ્યો છે.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ મુઠીયા ગામના ટોલ ટેક્સ બુથ પાસેથી એક સ્કોર્પિયો કાર પસાર થવાની છે. છે. જેમાં દારૂ ભરેલો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી શરૂ કરી અને કારને રોકી તપાસ કરી તો પહેલા કારમાં કાંઈ મળ્યું ન હતું પરંતુ ત્યાર બાદ કારમાં તપાસ શરૂ કરી તો એક ગુપ્ત ખાનું મળી આવ્યું અને જેમાં દારૂની બોટલો મળી આવી હતી.


પોલીસે કુલ 286 દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી બનેસિંગ ભાટીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાન બાડમેરથી પોતાના સાળા શંભુસિંગની સ્કોર્પિયો કારમાં દારૂ લઈને સુરત લઈ જઈ રહયો હતો.