સંજય ટાંક, અમદાવાદ: આમ તો અમદાવાદની BRTS બસ સેવા અકસ્માતો સર્જવા માટે પંકાયેલી છે. BRTS (Bus Rapid Transit System) અમદાવાદમાં આવ્યા બાદ ઘણા નાના મોટા અકસ્માત બન્યા હશે. પરંતુ અખબારનગર અંડર પાસમાં બનેલી આ ઘટના અકલ્પનીય છે. કદાચ BRTSના અકસ્માતોના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય નહીં બની હોય. જોકે, આ બનાવ સીસીટીવી કેમેરા લાગ્યા હોવા છતાં કેમેરામાં કેદ નથી થઈ! ઉલ્લેખનીય છે કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસના બે ફાડિયા થઈ ગયા છે. અકસ્માતમાં ડ્રાઇવર અને બસ સુપરવાઈઝર ઘાયલ થયા છે. બસમાં મુસાફર સવાર ન હતો. અકસ્માતને પગલે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અમદાવાદમાં બનતી અકસ્માતની અનેક ઘટનાઓનો ભેદ ઉકેલવા સીસીટીવી ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. પોલીસે પણ સીસીટીવીના આધારે અનેક ગુના ઉકેલ્યા છે. આથી જ પોલીસ પણ સીસીટીવી પર વધુ ભાર મૂકે છે. આ કારણે જ શહેરમાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી લગાડવામાં આવ્યા છે. પરંતુ કહેવાય છે ને કે જરૂર હોય ત્યારે જ રોન કાઢે તેનું નામ કોર્પોરેશનના સાધનો!
અકસ્માત અંગે બીઆરટીએસઅધિકારી વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, આજ તારીખ 09-12-2020ના રોજ બપોરે 2.15 કલાક આસપાસ ઇસ્કોનથી આરટીઓ રૂટની બસ નંબર-15 પ્રગતિનગરથી આરટીઓ તરફ જઈ રહી હતી ત્યારે અખબારનગર અંડરપાસ ખાતે ટેક્નિકલ કારણોસર બ્રીજના પિલર સાથે અથડાઈ હતી. ઉપરોક્ત બસ અકસ્માત સમયે બસમાં કોઈપણ પેસેન્જર હાજર ન હતા. બસના ડ્રાઈવર રમેશ મકવાણા ગંભીર રીતે અને બસ સુપરવાઈઝર ચરણભાઈ સામાન્ય રીતે ઘાયલ થયા છે.