

અમદાવાદ: આજે રાજ્યના અનેક શહેરમાં ધુમ્મસભર્યું (Fog) વાતાવરણ જોવા મળ્યું હતું. આ જ કારણે અનેક અકસ્માત (Road Accidents) સર્જાતા હોય છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે (Ahmedabad Vadodara expressway) પર આજે ગાઢ ધુમ્મસને કારણે એક બે નહીં પરંતુ 30થી 35 જેટલા વાહનોને અકસ્માત નડ્યો છે. જોકે, કોઈ પણ બનાવમાં જાનહાની થઈ હોવાના સમાચાર પ્રાપ્ત નથી થયા. એક વાહન પાછળ બીજાની ટક્કરના બનાવો પણ બન્યા છે.


ઉલ્લેખનીય છે કે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ ઘટી જાય છે. લોકોને 50 કે 100 ફૂટથી આગળનું કંઈ દેખાતું નથી. બીજી તરફ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહન ચાલકો વધારે સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. આ જ કારણે આગળની ગાડી ન દેખાતા અકસ્માત સર્જાતા હોય છે. રાજ્યના અન્ય હાઇવે પર પણ લોકોને 30ની ઝડપે વાહન હંકારવાની ફરજ પડી છે.


એક અંદાજ પ્રમાણે અમદાવાદ-વડોદરા હાઇવે પર 30થી 35 વાહનને ધુમ્મસને કારણે અકસ્માત નડ્યો છે. આ અંગેનો વીડિયો અને તસવીરો પણ સામે આવી છે. સામાન્ય રીતે એક્સપ્રેસ હાઇવે પર એક કારને અકસ્માત નડ્યા બાદ તેની પાછળ બીજી કાર કે વાહનો અથડાવાના અનેક બનાવો બનતા હોય છે.


આજે એટલે કે સોમવારે રાજ્યના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. સુરત શહેરમાં પસાર થતાં નેશનલ હાઈવે પર આજે વિઝિબિલિટી ઘટીને 53 થઈ ગઈ હતી.


શહેરે જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધો હોય તેવો માહોલ સર્જાયો હતો. આ કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન થયા હતા. લોકો હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને વાહન હંકારતા જોવા મળ્યા હતા. અરવલ્લી અને પંચમહાલમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.


ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં આવા અકસ્માતો મોટા પ્રમાણમાં બનતા હોય છે. દિલ્હી-આગ્રા હાઈવે પર એક વાહન પાછળ 10-15 વાહન ટકરાયા હોય તેવા બનાવો પણ બનતા રહે છે. ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય રીતે જીરૂના પાકને નુકસાન થતું હોય છે, જ્યારે ઘઉંના પાકને ફાયદો પણ થતો હોય છે.