

નવીન ઝા, અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ રાણીપમાં થયેલ 44 લાખની ચોરી મામલે પોલીસે ચોરી કરનાર સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીનું ઘર અને પાયલ જ્વેલર્સ નજીક હોવાથી ચોરી કરવા નક્કી કર્યું હતું. આરોપી આઈટી એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ચોરી કર્યા બાદ તે અજમેર ફરવા ગયો હતો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ ન્યૂ રાણીપમાં ગત 5 જાન્યુઆરીના રોજ પાયલ જ્વેલર્સમાં 44 લાખ થી વધુની ચોરીનો બનાવ બન્યો હતો. તે મામલે અલગ અલગ એજન્સી તપાસ પણ કરી રહી હતી.


સાબરમતી પોલીસે અલગ અલગ 92 જગ્યાના cctv ફૂટેજ તપાસ કરી બાતમીના આધારે આરોપી શશી શુકલાની ધરપકડ કરી લીધી અને તેને ગુનાની કબૂલાત પણ કરી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેને ચોરી કર્યા બાદ મુદ્દામાલ ઘટલોડિયામાં આવેલ શુભમ જ્વેલર્સમાં વેંચી દીધો હતો. જેથી પોલીસે આરોપી જીતેન્દ્ર ગહેલોટની પણ ધરપકડ કરી તેની પાસેથી અને કુલ 27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરેલ છે.


મળતી માહિતી પ્રમાણે આરોપી શશી શુક્લા આઈટી એન્જિનિયર છે અને પહેલા તે પૂણેમાં નોકરી કરતો હતો. આરોપી હાલ પોતાના માતા-પિતા થી અલગ રહે છે અને હાલ બેકાર હોવાનું સામે આવ્યું છે. આરોપીના માથે દેવું વધી ગયું હતું અને કારની લોન પણ ચઢી ગઈ હતી જેથી તેને પાયલ જ્વેલર્સના માલિકની રેકી કરવાનું શરૂ કર્યું અને તે માટે તેને ગત 2 જાન્યુઆરીના રોજ એક બાઈક પણ ચોરી કરી હતી. આરોપીને ખ્યાલ આવી ગયો કે ફરિયાદી ઘરે જમવા જાય છે ત્યારે ચાવી ડેકીમાં મૂકી ને જાય છે જેથી તેને ડેકીમાંથી ચાવી ચોરી કરી દુકાનમાં જઈ ચોરી કરી હતી.


આરોપી ચોરી કર્યા બાદ પોતાના મિત્રો સાથે અજમેર દરગાહ ફરવા ગયો હતો. તેણે ચોરીના રૂપિયાથી કારની લોન પુરી કરી છે. મહત્વનું છે કે હાલ તો દેવું વધી જતાં તેને ચોરી કર્યા હોવાનું જણાવ્યું છે પરંતુ ખરેખર અન્ય કોઈ કારણ છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે..અને તેને અન્ય રૂપિયા ક્યાં વાપર્યા તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.