

વિભુ પટેલ, અમદાવાદ: કોરોનાની મહામારી (Corona Pandemic)માં લોકોની કમર તૂટી ગયાની જ બૂમ સંભળાતી હતી. પરંતુ જો આરટીઓ (Regional Transport Office)માંથી વાહનોના પસંદગીના નંબર (Choice numbers) મેળવવાની વાત કરવામાં આવે તો આ માટે લોકો અધધ રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે. જોકે, અહીં એ પણ નોંધવું રહ્યું કે શોખ બડી ચીજ હૈ. શોખ માટે લોકો કંઈ પણ કરી છૂટતા હોય છે. અમદાવાદ આરટીઓ કચેરીને કોરોડો રૂપિયાની આવક થાય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે આવક લાખોમાં થઈ ગઈ હતી. બીજી તરફ કોરોના કાળમાં અને મંદીના મારમાં પણ લોકો પોતાના શોખ પૂર્ણ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.


અમદાવાદ આરટીઓમાં નવેમ્બર મહિનામાં નવા 11,600 વાહનો નોંધાયા હતા. જેમાંથી 3,022 વાહન ચાલકોએ પસંદગીના નંબર માટે અરજી કરી હતી. અરજીમાં જે લોકોએ ઊંચા ભાવ ભર્યા હતા તેમને પસંદગીનો નંબર પણ મળી ગયો હતો. નવેમ્બર મહિનામાં પસંદગીના નંબરની હરાજીથી આરટીઓને 1 કરોડ 9 લાખ રૂપિયાની આવક થઈ છે. અમદાવાદ આરટીઓમાં દર 21 દિવસે નંબરની સીરિઝ પૂર્ણ થઈ જાય છે. લોકો કાર અને બાઇક માટે પસંદગીના નંબર લેતા હોય છે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે અરજી કરવામાં આવે છે.


ટોપ ફાઇલ નંબર પર લાગેલી બોલી: નંબર- 0001----રૂ. 5,56000 । નંબર-5555----રૂ. 1,75000। નંબર-7777----રૂ. 1,62000 । નંબર-0369---રૂ. 1,40000 । નંબર-1212----રૂ. 1,15000


આરટીઓ બી.વી. લીંબાસીયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "છેલ્લા ત્રણ મહિનામાં પસંદગીના નંબરથી 2 કરોડ 36 લાખની આવક થઈ છે. અમદાવાદ એક વ્યક્તિએ કાર ખરીદી અને આરટીઓમાંથી પસંદગીના નંબર માટે અરજી કરી હતી. વ્યક્તિ 7 નંબર માટે 32 લાખની બોલી બોલ્યો હતો. જે બાદમાં અન્ય લોકોની બોલતી બંધ થઈ ગઈ હતી. અમે 32 લાખ રૂપિયામાં અરજી કરનારને નંબર ફાળવી પણ દીધો હતો પરંતુ તેણે સમય મર્યાદામાં રૂપિયા ભર્યા ન હતા. જે બાદમાં અમે અરજી રદ કરી નાખી હતી." ઉલ્લેખનીય છે કે લોકો પસંદગીના નંબર માટે વાહનની કિંમત જેટલી કિંમત ખર્ચી નાખતા હોય છે.


નવેમ્બર 2020માં 3,022 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા છે. આરટીઓને પસંદગીના નંબર માટે 1 કરોડ 9 લાખની આવક થઈ છે. ઓકટોબર 2,020માં 2,899 વાહન ચાલકોએ પસંદગીના નંબર લીધા હતા. જેનાથી આરટીઓને 71 લાખ 7 હજાર રૂપિયાની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020માં 1,130 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા હતા. આરટીઓને પસંદગીના નંબરથી 39 લાખ 86 હજાર રૂપિયાની આવક થઈ છે.