

વિભુ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેર રાખડી (Rakhi) માટેનું હબ છે. આ કારણે અમદાવાદમાંથી અલગ અલગ રાજ્યમાંથી વેપારીઓ રાખડી મંગાવતા હોય છે. પરંતુ કોરોનાની મહામારી (Corona Pandemic)ને કારણે ગુજરાત બહારથી આવતા રાખીઓના ઑર્ડર (Rakhi Order) મળ્યાં નથી. આ કારણથી રાખડી બનાવતા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. કોરોનાએ રાખડી બનાવીને કમાણી કરતા લોકોની આર્થિક સ્થિતિ કફોડી કરી દીધી છે.


અમદાવાદના ગોમતીપુરમાં રહેતા યુસુફભાઈ છેલ્લા 30 વર્ષથી રાખઢી બનાવવાના ધંધા સાથે સંકળાયેલા છે. દર વર્ષે યુસુફભાઈને 40 થી 50 લાખ રૂપિયાની રાખડી બનાવવા ઑડર મળતા હોય છે. રાખડી હેન્ડવર્ક હોય છે. જેના કારણે સમય વધારે લાગે છે. એટલે રાખડી બનાવવાનું કામ ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ જાય છે અને એપ્રિલમાં રાખડી બનાવવાનું કામ પૂર્ણ થાય છે. એપ્રિલ મહિનાથી રાખડી જે તે વેપારીને પહોંચાડવામાં આવે છે. આ વર્ષે યુસુફભાઈએ રાખડી તો તૈયાર કરી દીધી છે પરંતુ હજુ સુધી તેમને 30 ટકા જ ઑર્ડર મળ્યા છે. આથી આ વર્ષે તેમને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ રહેલી છે.


રાખડી બનાવનાર યુસુફભાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "તેમના પરિવારનું ગુજરાન રાખડી બનાવીને વેચવાથી ચાલી રહ્યું છે. તેમના પરિવારમાં સાત સભ્યો છે. તેઓ છેલ્લા નવ મહિના રાખડી બનાવે છે. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી ઑડર મળે છે. પરંતુ ચાલુ વર્ષ કોરોના કહેરેના કારણે ગુજરાતમાંથી પણ ગણ્યાં ગાંઠ્યા જ ઑર્ડર મળ્યા છે. નવ મહિનાથી રૂપિયાનું રોકાણ કર્યું છે. હાલ નફો નહીં પરંતુ રોકાણ મૂડી પરત મળી તો પણ સારું છે. છેલ્લા 30 વર્ષમાં આવા દિવસો ક્યારેય નથી જોયા."


નોંધનીય છે કે યુસુફભાઈ પોતાના પરિવારનું ચલાવવા ઉપરાંત રાખડી બનાવતા અન્ય 150 પરિવારને રોજગારી પણ આપે છે. આ વર્ષે કોરોનાને કારણએ આ તમામ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.