

નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસને કેટલાક લોકો બેહરમી રીતે ઢોર માર મારી રહ્યા છે. પોલીસને દોડાવી દોડાવીને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. આ વાતની પુષ્ટિ ખુદ સોલાના પીઆઈએ પણ કરી દીધી છે. આ બનાવ ચાંદલોડિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે બનેલો હોવાનું પણ સામે આવી રહ્યું છે.


વીડિયોમાં દેખાતા પોલીસ કર્મીનું નામ સુનિલસિંહ સુરેશસિંહ ચૌહાણ (હાલ નોકરી સોલા પો.સ્ટે.) માં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ગત રાત્રીના સમયે દારૂ પીધેલી હાલતમાં હતો અને ચાંદલોડિયા વિસ્તારની બનાવ વાળી જગ્યાએ સ્થાનિક પબ્લિક સાથે તેને ઘર્ષણ થયું હતું. સામા પક્ષે પબ્લિકના અમુક તત્વો દ્વારા આ પોલીસ કર્મચારીને માર મારવામાં આવ્યો હતો.


સોલા પોલીસે આ મામલે પો.કો.સુનિલસિંહ પર પ્રોહી એકટ 66 (1)(બી), 85 (1) મુજબ દારૂ પીધેલાનો ગુનો દાખલ કરી અટક કરવામાં આવેલ છે અને સામા પક્ષે પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહને માર્યા બાબતની નામ જોગ 05 ઈસમો તથા અન્ય ટોળા વિરુદ્ધમાં IPC 323, 324, 325, 143, 147, 148, 149, 294 (ખ) તથા GPA 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.


પોલીસને મારનાર અને વીડિયો માં દેખાતા 6 શખ્સોની અટકાયત પણ કરવામાં આવેલ છે અન્યની શોધખોળ ચાલુમાં છે. અટકાયત કરાયેલા આરોપીઓમાં મયુર રમેશભાઈ રાવળ, સાગર ચુનીલાલ પટેલ, દિપેનકુમાર મહેન્દ્રભાઈ મારુ, હાર્દિક હર્ષદભાઈ ઠક્કર, કલ્પેશ ચંદુભાઈ રાવળનો સમાવેશ થાય છે.


બંને ગુના સોલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે અને આગળની તપાસ ચાલુ છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પોલીસ કર્મચારી સામે પહેલા પણ દારૂનો કેસ નોંધાઈ ચૂક્યો છે.