

ઋત્વીજ સોની, અમદાવાદ : લોકોમા પોલીસની છબી સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ કેટલાક એવા પોલીસ કર્મીઓ છે કે જેણે પોલીસની છબી ન સુધારવાની જાણે કે હઠ પકડી હોય એવું લાગી રહ્યું છે. કેટલાક દિવસ પહેલા એક એએસઆઇનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો હતો તો બીજી તરફ રવિવારે મોડી રાત્રે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કંટોડીયા વાસમાં કંટ્રોલને મેસેજ મળતા જ પહોંચેલા પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.


સ્થાનિકો દ્વારા ઉતારવામાં આવેલા આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે દારૂ પીધેલી હાલતમાં સ્થળ પર આવીને લોકોને માર માર્યો છે. એટલું જ નહીં આ વીડિયોમાં પોલીસ હપ્તા લેવા માટે પણ અહીં આવતી હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


આ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં વર્ષોથી દારૂ વેચાઇ રહ્યો છે અને પોલીસ હપ્તા લેવા માટે પણ આવે છે. આજે પોલીસ કર્મચારીએ લોકોને માર્યા કેમ? જોકે, આ વીડિયો બનાવી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાકેશ તાવિયાડ લોકોની માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે.