

ઋત્વીજ સોની, અમદાવાદ : કોરોના વાયરસે (Coronavirus Cases in Gujarat)રાજ્યમાં ભરડો લીધો છે ત્યારે પોલીસ (Gujarat Police) ખડેપગે રહીને લોકોની મદદ કરી રહી છે. લૉકડાઉનની સ્થિતિમાં પોલીસ પોતાના જીવ કે પરિવારની ચિંતા કાર્ય વગર રાત દિવસ ખડેપગે રહીને લૉકડાઉન (Lockdown)નો કડક અમલ થાય તેવા પ્રયાસો કરી રહી છે.


આ સાથે સાથે પોલીસ જરૂરિયાતમંદ લોકોની પણ ચિંતા કરી રહી છે. અનેક પરિવાર એવા છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય છે. આવા પરિવારોને પોલીસ જમવાનું ઉપરાંત અનાજની કિટ પણ આપી રહી છે.


બે દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ થતાં જ રાત્રે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. આ પરિસ્થિતિમાં ખડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એમ.બી.વિરજાને રસ્તા પર ઊંઘી રહેલા લોકોની ચિંતા થઈ હતી.


PSI વિરજાએ આવા જરૂરિયાત લોકોને ધાબળા આપવાનુ નક્કી કર્યું. જેથી તેઓને ઠંડીમાંથી રાહત મળે અને સાથે સાથે રોડ પર થતાં મચ્છરોના ત્રાસથી પણ મુક્તિ મળે.


પીએસઆઈ એમ.બી વીરજા અને તેમની ટીમે એક જ દિવસમાં કાલુપુર રેલવે સ્ટેશન, ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં જરૂરિયાતવાળા લોકોને 500 જેટલા ધાબળાનું વિતરણ કર્યું છે.