

હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ પોલીસની (Ahmedabad) પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ દિવાળીના તહેવાર પહેલાં શહેરની હદમાંથી દારૂનો (Liquor caught) જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીને બાતમી મળી હતી કે શહેરની દાણીલીમડા વિસ્તારમાં એક ચોક્કસ જગ્યાએ લાખો રૂપિયાની કિંમતનો દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડતા 30.6 લાખનો (Liquor of 30.6 lakhs caught) દારૂ મળી આવ્યો હતો.


આ દરોડામાં પોલીસ દારૂ રાખવાની જગ્યા જોઈ ચોંકી ગઈ હતી. કારણ કે શહેરની વચોવચ્ચ આવેલા એક ગોડાઉનમાં કોઈ માલસામાન રાખવામાં આવે તેમ દારૂ સંતાડવામાં આવ્યો હતો. દાણીલીમડામાં આવેલ અલ કુબા એસ્ટેટમાં કોઝી હોટલ પાછળ આવેલા ગોડાઉન એ-11માંથી લાખો રૂપિયાનો દારુ ઝડપાયો હતો.


આ ઝડપાયેલા દારૂનો જથ્થો ખૂબ જંગી છે. પીસીબીએ ઝડપેલા જથ્થામાં જુદી જુદી બ્રાન્ડનો 6072 બોટલ એટલે કે 506 પેટી દારૂ જેની કિંમત 30,60,000 હજાર તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 31.09 લાખની મતા સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા છે.


પીસીબીએ આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 66 બી, 65 એઇ, 116 બી, 98-2, 81 પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સાથે ઇસ્તીયાક જૈનુલઆબેદ્દીન, વિવેક સુરેશ કુમાર સંઘાણી, મુસ્તાક ગુલારસલુ શેખની ધરપડ કરી છે. જ્યારે આ કેસમાં ઇલિયાસ જૈનુલઆબેદ્દીન સૈયદને વોન્ટેડ જાહેર કર્યો છે.