

સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં (Gujarat) ફીનો વિવાદ વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ખાનગી શાળા સંચાલકોએ ફીમાં (School fees) 25 ટકાની આપેલી રાહત વાલીઓએ લોલીપોપ ગણાવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો (Education minister) હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.


કોરોનાને પગલે જાહેર થયેલા લૉકડાઉન બાદથી ફી વિવાદ શરૂ થયો છે ત્યારથી આ વિવાદ શમ્યો નથી. સરકાર દ્વારા ખાનગી સ્કૂલ સંચાલકો સાથે બેઠક કરી ફીમાં 25 ટકા રાહત આપવા સૂચન કર્યું હતું. જોકે, તે સમયે તો ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ પ્રત્યુત્તર અપાયો ન હતો. પણ બાદમાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓ એ ત્રણ મહિનાની એટલે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ક્વાર્ટર ફીમાં 25 ટકાની માફી આપી હતી.


વાલીઓ આ ફી માફીને શરતી માફી હોવાનું ગણાવી વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ફી માં 25 ટકા રાહત એવા વાલીઓ ને જ મળશે જેઓ 100 ટકા ફી ભરશે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, ફી માં 25 ટકાની માફીની વાત કરી વાલીઓને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે. ફી રાહત કોઈ રાહત નહિ પણ માત્ર લોલીપોપ છે. જેથી આવી ફી માફી વાલીઓ ને મંજુર નથી. જેને પગલે અમદાવાદ પૂર્વ વિસ્તારના વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા ભગવા સેનાના બેનર હેઠળ વાલીઓએ હવે ફીમાં 100 ટકા રાહત આપવાની માંગ કરી છે.


વાલીઓ એ જણાવ્યું કે, લૉકડાઉનમાં અનેક લોકો આર્થિક સંકડામણમાં મૂકાયા છે તેવામાં ઘણા વાલીઓ ફી ભરવા સક્ષમ નથી. તેમાંય શાળા સંચાલકો ચાલાકી કરી વાલીઓ પાસે 75 ટકા ફી ભરાવવા માંગી રહ્યા છે. જો અભ્યાસ જ કરાવ્યો નથી તો ફી કેમ ભરવાની. જેથી વાલીઓએ હવે આ મુદ્દે લડી લેવાની તૈયારી કરી છે. અને હાલ લોલીપોપ સાથે વિરોધ પ્રદર્શન તો આગામી દિવસોમાં ફી માફી નહીં કરાય તો શિક્ષણ મંત્રીના ઘરે પહોંચી વાલીઓ વિરોધ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. મહત્વનું છે કે, લાંબા સમયથી ચાલી રહેલો ફીનો આ કોયડો ઉકેલાતો નથી. ત્યારે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે અને વિવાદ આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.