

અમદાવાદ : હાલ કોરોનાની મહામારી (Corona Pandemic)ને પગલે આખા દેશમાં સ્કૂલ (School) અને કૉલેજો બંધ રાખવામાં આવી છે. ગુજરાતમાં પણ હાલ સ્કૂલ-કૉલેજો શરૂ કરવાની મંજૂરી નથી આપવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલ કે કૉલેજ બોલાવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) હસ્તકની એક સ્કૂલમાં બંધ બારણે પરીક્ષા (Examination) લેવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે વીડિયો પણ સામે આવ્યો છે. બીજા એક બનાવમાં અમદાવાદના 16 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનો સમાચાર આવ્યા છે. આ શિક્ષકોને ડોર ટૂ ડોર સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. આ તમામ શિક્ષકો અમદાવાદ નગર પ્રાથમિક સ્કૂલના હોવાનું માલુમ પડ્યું છે.


એએમસી સ્કૂલની ગંભીર બેદરકારી : અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની એક સ્કૂલમાં ધોરણ-7 અને આઠની પરીક્ષા ચાલી રહી હોવાની માહિતી મળી હતી. જે બાદમાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયૂઆઈના મહામંત્રીએ તપાસ કરતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. તપાસ કરતા સ્કૂલમાં એક વર્ગખંડમાં બંધ બારણે પરીક્ષા ચાલી રહ્યાનું માલુમ પડ્યું હતું. હાલ લૉકડાઉનને પગલે સ્કૂલ બંધ હોવા છતાં સ્કૂલના તંત્ર તરફથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવીને સરકારી ગાઇડલાઇનો ભંગ કરવામાં આવ્યો છે.


વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઘરે પહોંચાડવા આદેશ : હાલ કોરોનાને પગલે શિક્ષણ વિભાગ તરફથી સ્કૂલોને પરીક્ષા માટે પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં પ્રશ્નપત્રો ઘરે પહોંચાડવાને બદલે સ્કૂલે વિદ્યાર્થીઓને સ્કૂલે જ બોલાવી લીધા હતા. આ મામલે એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોનાને ભયના પગલે શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે નથી જઈ રહ્યા. આ મામલે શિક્ષકો પોતાનો વિરોધ પણ નોંધાવી ચુક્યા છે. બીજી તરફ નાના બાળકોનો કોરોનાનું જોખમ વધારે રહેલું હોવા છતાં તેમને સ્કૂલે બોલાવવામાં આવતા હવે તંત્ર તરફથી સ્કૂલના જવાબદારી શિક્ષકો સામે શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું.


શિક્ષકોનો લૂલો બચાવ : આ મામલે શિક્ષકોએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમની પાસે મોબાઇલ કે ટીવી ન હોવાથી તેમને સમજાવવા માટે સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યારે અમુક વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમને ફોન કરીને સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા. એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે બાળકોને પુસ્તકો આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગુલબાઇ ટેકરા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. તેની બાજુમાં જ આ સ્કૂલ આવેલી છે.