

સંજય ટાંક, અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે UPSC દ્વારા આર્મીમાં લેફ્ટનન્ટના પદ માટે કમબાઈન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા લેવામાં આવી છે. UPSCની દરેક પરીક્ષામાં મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ લગાવાય છે એટલું જ નહીં દરેક પરીક્ષા કેન્દ્ર માં મોબાઈલ જામર મશીન લગાવવામાં આવે છે. શુ છે આ મોબાઈલ જામર મશીન અને તે કેવી રીતે કામ કરે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે.


હાલમાં UPSC દ્વારા CDSની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં અમદાવાદમાં જ 14 અલગ અલગ સેન્ટરો પર 4400 જેટલા ઉમેદવારે પરીક્ષા આપી રહ્યા છે. જોકે, UPSC દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ હોય છે. માત્ર પરીક્ષા આપનાર ઉમેદવાર જ નહીં પરીક્ષામાં ઉપસ્થિત નિરીક્ષકો સહિતનો સ્ટાફ પણ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ઉપયોગ કરી શકતું નથી. કારણ કે, તેના માટે પરીક્ષા કેન્દ્ર પર જે વર્ગખંડ માં ઉમેદવાર પરીક્ષા આપતા હોય છે ત્યાં એક જામર મશીન લગાવવામાં આવે છે.


આ અંગે નારણપુરા વિજય નગર સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ પાઠક જણાવે છે કે, આ જામર મશીન ભારતીય ઇલેક્ટ્રીકલ લિમિટેડ BEL કંપનીના હોય છે. જેને દરેક બ્લોકમાં રાખવામાં આવે છે. અમારી સ્કૂલમાં 10 બ્લોક છે તમામ બ્લોકમાં આ મશીન રાખવામાં આવ્યા છે. એક મોબાઈલ જામરની રેન્જ 50 મીટરની હોય છે જેથી જામરથી બિલ્ડીંગ માં કોઈ પણ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ન કરી શકે તેવી વ્યવસ્થા કરાય છે. પરીક્ષા શરૂ થાય ત્યારે જામર એક્ટિવ કરી દેવામાં આવે છે. અગર કોઈ પરીક્ષા સુપરવાઈઝરને કે ઇમરજન્સીમાં ફોન કરવાની જરૂર પડી તો પરીક્ષા કેન્દ્રના લેન્ડલાઈન નંબરથી કે પછી બિલ્ડીંગની બહાર જઈને મોબાઈલ ઉપયોગ કરી શકાય. પરંતુ પરીક્ષા દરમિયાન મોબાઈલનો ઉપયોગ થઈ શકતો નથી.


મહત્વનું છે કે, UPSC દ્વારા લેવાઈ રહેલી આ પરીક્ષા દેશભરમાંથી 8 લાખ યુવાનો આપી રહ્યા છે. ડિફેન્સના આર્મી, નેવી અને એરફોર્સમાં લેફ્ટ કક્ષાના ઓફિસરના પદ માટે પરીક્ષા લેવાય છે. ઓફિસર કક્ષાના પદ માટે પરીક્ષા મારફતે સીધી ભરતી થાય છે. આ પરીક્ષામાં પણ મોબાઈલ પર પ્રતિબંધ માટે આ જામરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.