

દિપીકા ખુમાણ, અમદાવાદ : ખાલી પડેલા રૂમ, કેન્ટિનનો સૂનકાર અને લાઇબ્રેરીમાં પુસ્તકોની થપ્પી ગોઠવતા આ પતિ પત્ની, ન્યૂઝ18ગુજરાતીની ટીમ જ્યારે તેમની પાસે પહોંચી ત્યારે તેમની આંખોમાં આશ જોવા મળી કે, હાશ...લોકડાઉનની તેમના જીવન પર શું અસર થઈ છે એ સરકારને જાણ થશે, કોઈક તેમને સંભાળશે, કોઈક તેમની વહારે આવશે. વાત કરતાં કરતાં આ પતિ પત્નીની આંખો ભરાઈ આવી. આ કહાની આ પતિ પત્નીની નહિ પણ દરેક પીજી ધારકની છે. જે આજે મંદીના મારમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યો છે.


પીજી ચલાવતા આ દંપતીની કહાણી જાણો એ પહેલા આપને જણાવી દઇએ કે, અમદાવાદના સી જી રોડ વિસ્તારમાં મનમંદિર હાઉસમાં એક સમયે એક સાથે 500 જેટલા વિદ્યાર્થીઓ રહેતા હતા. આ પીજી જયેશભાઈ અને તેમના પત્ની નેહાબેન ચલાવે છે.


અહીં, ગુજરાત યુનિવર્સિટી અને એચ.એલ, જીએલએસ કોલેજમાં અભ્યાસ કરવા આવેલા સૌરાષ્ટ્રથી આવેલા વિદ્યાર્થીઓ રહેતા હતા. પરંતુ લૉકડાઉનનો ડર એવો તો વ્યાપી ગયો કે કોઈ વિદ્યાર્થી પોતાનો સામાન લેવા ઊભો ના રહ્યો અને તરત જ ઘરે પહોંચી ગયો. આજે પણ અહી રૂમમાં વિદ્યાર્થીઓનો સામાન પડેલો જોવા મળે છે.


સીજી રોડમાં મનમંદિર હાઉસ ચલાવતા જયેશભાઇ અને તેમના પત્ની નેહાબેન શાહ છેલ્લા 11 વર્ષથી પીજી ચલાવે છે. આમ તો તેમનો કોન્સેપ્ટ હોસ્ટેલની વાત છે એટલે અમદાવાદમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ હોસ્ટેલ જેવી ફિલિંગની સાથે અહી રહે છે, વિદ્યાર્થીઓના હિત માટે પતિ-પત્નીએ રહેવાના સ્થળ પર જ લાઇબ્રેરી બનાવી જેથી વિદ્યાર્થીઓને વાંચન કરવા માટે બહાર ન જવું પડે પરંતુ આજે અહીં લાઈબ્રેરી પણ સૂની પડી છે. વિધાર્થીઓ તેમના પુસ્તકો પણ મૂકીને જતાં રહ્યાં છે.


અમદાવાદમાં જયેશભાઈ ઇસ્કોન, બોપલ, આંબલી, યુનિવર્સિટી જેવી અલગ અલગ પાંચ જગ્યા એ પીજી ચલાવતા હતા. તમામ હાલ ખાલી ભાસી રહ્યા છે. જયેશભાઈએ જે મકાન ભાડે રાખીને પીજી ચલાવવાનું શુરૂ કરેલું એ મકાન માલિકને ત્યાંથી પીજી બંધ કરી દીધા છે.


આ અંગે જયેશભાઈ શાહનું કહેવું છે કે, સીજી રોડ વિસ્તારમાં આશરે 150 પીજી છે જેમાંથી એક પણ પીજી હાલ ચાલુ નથી કારણ કે અહીં મોટા ભાગે વિદ્યાર્થીઓ જ રહે છે.