

સંજય ટાંક, અમદાવાદ : ધોરણ 12 પછી મેડીકલમાં પ્રવેશ માટે લેવાયેલ નિટ (NEET) નું પરિણામ જાહેર થયું છે. મેડીકલમાં પ્રવેશ માટે 56.44 ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા છે. કુલ 13.66લાખ જેટલા વિદ્યાર્થીઓએ નિટની પરીક્ષા આપી હતી. ઓડીસાનો શોએબ આફતાબ દેશમાં પ્રથમ આવ્યો છે. શોએબ એ 720 પૈકી 720 માર્ક્સ મેળવ્યા છે. ટોપ 50માં ગુજરાત ના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. રાજકોટનો માત્રવડીયા મનિત રાજ્યમાં પ્રથમ જયારે દેશમાં 10 માં ક્રમે અને અમદાવાદનો અજિંક્ય નાયક દેશમાં 42માં ક્રમે રહ્યો છે. અજિંક્ય ને 720માંથી 705 માર્કસ મળ્યા છે.


અજિંક્ય ગુજરાતમાં બીજા ક્રમે રહ્યો છે અને અમદાવાદમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જયારે કરમ પટેલ દેશમાં 83માં ક્રમે રહ્યો છે. તેણે 720માંથી 700 માર્કસ મેળવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ દિલ્હી એઇમ્સમાં મેડિકલમાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છી રહ્યા છે. અજિંક્ય જણાવે છે કે આ સફળતાનો શ્રેય પિતાના ફાળે જાય છે. કોરોનાની મહામારી પેહલા જ મારી અભ્યાસની તૈયારીઓ થઈ હતી.


મહમદ ફેઝાન રાયખડ વિસ્તારમાં રહે છે. અને મિર્ઝાપુર વિસ્તારમાં આવેલી સેન્ટઝેવિયર્સ સ્કૂલનો વિદ્યાર્થી છે. જે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી છે. જેને NEETમાં 720 માર્કસમાંથી 602 માર્કસ મળ્યા છે. તેના પિતા ફારૂખભાઈ રીક્ષા ચલાવે છે. તેની સગીબહેન ફરહાના MBBSના ત્રીજા વર્ષમાં સોલા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. મહમદ ફૈઝાન જણાવે છે કે, તેને બીજે મેડિકલ કોલેજમાંથી MBBs કરવું છે. જો બીજે મેડિકલ કોલેજમાં પ્રવેશ નહિ મળે તો સુરત કે બરોડા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી MBBS કરવું છે. પિતા ફારૂખભાઈ જણાવે છે કે, તેઓ પોતે 12 પાસ છે. પિતાને પણ ભણવાનો ખૂબ શોખ છે પણ ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ભણી શક્યા નહી પણ મનોમન નક્કી કર્યું કે, સંતાનો ને ભણાવી ડોકટર બનાવશે. તેમના બંને સંતાનો મેડિકલમાં સફળ થયા છે ત્યારે મહમદ ફેઝાન પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યો છે.


મહત્વનું છે કે 13 સપ્ટેમ્બર ના રોજ દેશ ભરમાં NEET ની પરીક્ષા યોજાઈ હતી.આ વર્ષે 15 લાખ 97 435 વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા. જેમાથી 13.66 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે 16 સપ્ટેમ્બર એ જ Neet ની પરિણામ જાહેર થયું હતું. ntaneet.nic.in વેબસાઈટ ડાઉન થવાથી વિદ્યાર્થીઓને પરીણામ જોવામાં વિલંબ સર્જાયો હતો.