

અમદાવાદ જ નહીં પરંતુ દેશભરમાંકોરોનાના કારણે લોકોનીઆર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. તો આજે આપણે એખૉક કલાકારની વાત કરીશું, ડ્રમ વગાડવામાં પારંગત આ કલાકારને સમયની થપાટ એવી વાગી કે તેમને આજે ચા વેચવાનો વારો આવ્યો છે. ડ્રમ વગાડવો મારો શોખ છે અને ચા વેચવી છે મારી મજબૂરી, આ શબ્દો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા આવકાર હોલ પાસે ટી સ્ટોલ ચલાવતા જયેશ બાઘડેના છે.


એક સમયે જયેશભાઈના ડ્રમના તાલ પર દેશ-વિદેશના લોકો ઝૂમતા હતા. સીઝન નવરાત્રી હોય કે પછી કોઈ મ્યુઝિકલ પ્રોગ્રામની અમદાવાદ શહેર, ગુજરાત રાજ્ય અને ભારતભરમાં જયેશભાઈ પોતાની કલાને લોકો સુધી પહોંચાડી ચૂક્યા છે. એટલું જ નહીં, વિવિધ દેશોમાં પણ તેમણે પર્ફોમન્સ આપ્યું છે. પરંતુ એક મહિનાના હજારો કમાતા જયેશભાઇના જીવનમાં એવો બદલાવ આવ્યો કે, હવે દિવસના 400 રૂપિયા કમાઇને તેઓ પોતાનું ઘર ચલાવી રહ્યા છે.


જયેશભાઈ પોતાના કરમની કઠણાઈ કહીને એ વાતને સ્વીકારી ચૂક્યા છે કે, સમય દરેકનો બદલાય છે. કલાકારની દુનિયા લોકોથી શરૂ થાય છે અને તેનો અંત પણ લોકોથી જ થાય છે. કોરોનાવાયરસની મહામારી વચ્ચે એક તરફ જ્યાં કોઈપણ વ્યક્તિ એકત્ર નથી થતી ત્યાં પ્રોગ્રામ તો કેવી રીતે શક્ય બને બસ આ જ વિચારીને જયેશભાઈએ 2 મહિના પહેલા ખુમારીથી કામ કરવા પોતાની જિંદગીમાં બદલાવની શરૂઆત કરી અને દોસ્તી કામ લાગી ગઈ. તેમને જગ્યા મળી ગઈ ચાનો સ્ટોલ ખોલવાની અને શરૂ થઈ તેમની સાહસિક સફર.


જયેશભાઇ પોતાની વાત કહેતા કહેતા અમને તેમના ઘરે પણ લઈ ગયા. જ્યાં અમે જાણ્યું કે ,કેવી રીતે જયેશભાઈ પોતાની જીદંગી જીવી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે, તેમણે ઘણા બધા રાજકીય કાર્યક્રમો પણ કર્યા છે.પરંતુ એ વાત પણ હકીકત છે કે આ કાર્યક્રમોના બેઝ ઉપર તેમને કોઈ બેંક લોન આપવા તૈયાર નથી. કલાકારોને ક્રેડિટ કાર્ડ મળતા નથી. કલાકારોની આ પરિસ્થિતિ પર ઉધારી કોઈ આપે તો પણ ઘણું છે .ત્યારે આવી પરિસ્થિતિમાં કેવી રીતે કલાકારોની દુનિયા બદલાશે તે સવાલ છે. આવામાં જયેશભાઈ ચોક્કસથી જિંદાદિલીની મિશાલ છે.