

દિપીકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવકાર હોલની સામે કોવિડ ટેસ્ટ (covid free test) માટે બનાવવામાં આવેલા ડોમને કોઈપણ વ્યક્તિ દૂરથી જુએ તો અહી ટેસ્ટ કરવા ચોક્કસથી ઉભો રહે. કારણ કે, દૂરથી જ દેખાતા ડોમમાં મોટા અક્ષરથી લખવામાં આવ્યું છે કે, અહીં વિના મુલ્યે ટેસ્ટ કરાવો અને તરત જ રિપોર્ટ મેળવો. પરંતુ આજે આ ડોમની હાલત એ છે કે, કોઈ વ્યક્તિ અહીં આવે તો ડરી જાય છે. કારણ કે ડોમમાં વપરાયેલી મેડિકલ કિટ આખી રાત પડી રહે છે. ચોંકાવનારી વાત એ છે કે, ડોમ પાસે એક બેનર પણ મારવામાં આવ્યું છે જેમાં ટેસ્ટ માટેનો સમય સવારે 9.30 થી 1 જ્યારે બપોરે 3 થી 7 લખવામાં આવ્યો છે પરંતુ સવારનાં 10.30 વાગ્યા સુધી કોઈ ડોમમાં ફરકતું પણ નથી.


સવારે ઓફિસ સમયમાં લોકો ટેસ્ટ કરવાનું વધારે પસંદ કરે છે, કારણ કે, સાંજે 3થી 7ના સમયમાં લોકો ડોમમાં ટેસ્ટ માટે જઈ નથી શકતા. આવી પરિસ્થતિમાં સૌથી મોટી વાત એ છે કે, 9.30નો સમય છતાં ટીમ 10.30 સુધી આવતી નથી. ન્યુઝ18ની ટીમે જ્યારે લોકોની સમસ્યા જાણી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે, મણિનગરના અર્બન હેલ્થ સેન્ટર પર આ પરિસ્થતિ રોજ આવી હોય છે.


આ અંગે સ્થાનિક આલાપ ઠક્કરે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી અર્બન હેલ્થ સેન્ટર પર લોકો પરેશાન થાય છે.


અમદાવાદ માં અલગ અલગ ઝોનમાં 50 જેટલા ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં ઊભો થતો મેડિકલ વેસ્ટનો નિકાલ બીજા દિવસે 12 વાગે થાય છે. આ અંગે તપાસ કરતા ન્યૂઝ18ગુજરાતીના ધ્યાન પર આવ્યું કે, આ મેડિકલ વેસ્ટ આખી રાત ડોમમાં પડ્યો રહે છે .મેડિકલ વિભાગની ટીમને મદદ કરવા આવતા મહિલાએ ન્યુઝ18 ગુજરાતીને જણાવ્યું કે, આ અહીં જ પડ્યો હોય છે હમણાં 12 વાગે કચરા પેટીની ગાડી આવીને લઈ જશે.