

અમદાવાદમાં મોડી રાતે સડાબાર વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં પહેલા માતંગી એન્ટરપ્રાઇઝ અને તે બાદ જક્ષય કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. બંન્ને કંપનીઓમાં આગ લાગ્યા બાદ આસપાસની ચાર જેટલી અન્ય કંપનીઓમાં આગ ફેલાઇ ગઇ હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં હજી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ આ ફેક્ટરીઓની આસપાસમાં આવેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. જોકે, અંદર રહેતા શ્રમિકોને કોઇ જાનહાની થઇ નથી.


વટવાની ફેક્ટરીઓમાં પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક પણ સળગી ગઇ હતી. આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. હાલ તેઓ છત વગરના થઇ ગયા છે.


આ આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી દીધો હતો. આમાં 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે 6 કલાકની જહેમત બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. જેના કારણે કંપનીઓની આસપાસ રહેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.