વિભુ પટેલ, અમદાવાદ : આજથી (Ahmedabad) બીઆરટીએસ (BRTS) અને એએમટીએસ (AMTS) શરૂ કરી દેવામાં આવી છે. સવારના 6થી રાત્રીના 11 વાગ્યા સુધી બસ સેવા ચાલુ રહેશે. એએમટીએસ દ્વારા કુલ 149 રૂટ ઉપર કુલ 700 બસ તેમજ બીઆરટીએસ દ્વારા 13 રૂટ પર 222 જેટલા બસ પરિવહન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે પરંતુ આ માત્ર વાતો જ સાબિત થઇ છે. આજ સવારથી શરૂ થયેલી એએમટીએસ અને બીઆરટીએસની બસોમાં લોકો બેસવા માટે એટલા ઉતાવળા હતા કે કોરોનાને જ ભૂલી ગયા અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડાવતા જોવા મળ્યાં છે.
જોકે, બીઆરટીએસ બસમાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. બીઆરટીએસમાં પ્રવાસીઓ કેપેસિટી કરતા પણ વધારે જોવા મળ્યા. સીટીંગ વ્યવસ્થા પર તો પ્રવાસી બેઠા હતા. પરંતુ બસમાં પ્રવાસીઓ ઉભા રહીને પણ પ્રવાસ કરતા હતા. જેના કારણે અંતર જળવાયું ન હતું અને ગાઈડલાઈનની ઐસીતૈસી થઈ ગઈ. જોકે, લોકોએ પોતે સમજીને અંતર જાળવવાનું છે.