

સંજય ટાંક, અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણના કેસ ભલે ઓછા થયા હોય પણ કોરોના ગયો નથી અને એક નાનકડી બેદરકારી મહામારીને ખૂબ મોટું સ્વરૂપ આપી શકે છે તેવું વારંવાર કહેવામાં આવે છે. છતાં હજુ બેદરકારી ઓછી થતી નથી. અને હવે તો ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જ ઘોર બેદરકારી સામે આવી છે. વાસણા બેરેજ પાસે જ કેનાલ આગળ જોવા મળ્યા છે વપરાયેલી PPE કિટના ઢગલા.


લાપરવાહીની સામે આવેલી આ તસવીરો AMC તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે. એકતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને બીજીતરફ પોલીસ નિયમોનું પાલન ના થતું હોય ત્યાં મસમોટો દંડ ફટકારે છે. ત્યારે હવે ખુદ તંત્રની કામગીરી સામે જ સવાલો ઉભા થયા છે.


અમદાવાદ ના વાસણા બેરજ નજીક આવેલી કેનાલ પાસે જ કોવિડ ડયુટીમાં વપરાયેલી PPE કીટ ઢગલાબંધ હાલતમાં ફેંકી દેવાયી છે. આ વિસ્તારમાં અનેક લોકો ઝુંપડા બાંધીને રહે છે અને અહીં કેનાલ નજીકના રોડ પર કોર્પોરેશનના કચરાના અનેક વાહનો અવરજવર કરે છે. તેવામાં આ પ્રકારે PPE કિટો, માસ્ક અને ગ્લોવ્સ ફેકી દેવાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.


આ પ્રકારે ફેંકાયેલા આ મેડિકલ વેસ્ટથી કોઈ સંક્રમણ ફેલાય તો જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ ઉપસ્થિત થયો છે. કોરોનાની મહામારીમાં આવી ગંભીર બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય.