

મયુર માકડિયા,અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરિક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે. આવા સમયે જેલમાં રહેલા કેદી (Ahmedabad Central Jail Prisoner)ઓ પણ પોતાનું યોગદાન આપવા માટે કટિબદ્ધ બન્યા છે. અમદાવાદ મધ્યસ્થ જેલના દરજી વિભાગ ખાતે રહેલા 30 કેદીઓ દ્વારા હાલમાં માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.


આ માસ્ક ફક્ત રૂ. 10માં ઉપલબ્ધ છે. અત્યારે આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ ભજીયા હાઉસ ખાતેના જનતા વેચાણ કેન્દ્ર ઉપર આ માસ્કનું વેચાણ ચાલુ છે.


પ્રવર્તમાન પરિસ્થિતિમાં જેલના કેદીઓ દ્વારા દરરોજ 1000 બ્લિચિંગ કરેલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેથી વધુમાં વધું લોકો સુધી આ માસ્ક પહોચાડી શકાય. આ અંગેની વિગતો આપતા અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડૉ. એમ. કે. નાયકના જણાવ્યું કે, અત્યારે જેલને કુલ 15,000 માસ્કનો ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત 7000 માસ્ક જે-તે વિભાગને પૂરા પાડવામાં આવ્યા છે.