

અમદાવાદ: શહેરનાં કોરોના વાયરસની મહામારીએ ભયાવહ પરિસ્થિતિ સર્જી છે. તંત્ર દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી છે કે, 15મી મેની મધરાત સુધી અમદાવાદને સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવશે અને માત્ર દૂધ અને દવાની દુકાનો જ ચાલુ રહેશે. આ નિર્ણયની જાહેરાતથી બુધવારે સાંજે લોકોમાં ઉહાપોહ જાગ્યો હતો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ટોળે ટોળા રસ્તા પર આવી ગયા હતા. ગઇકાલે સાંજે લોકોએ દુકાનોની બહાર લાંબી કતારો લગાવી હતી. શહેરનાં કમિશનરે ગુરુવારથી 15મી તારીખ સુધી અમદાવાદમાં તમામ દુકાનો બંધ રાખવા અને માત્ર દવા અને દૂધની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આજે એટલે ગુરૂવારની સવારે શહેરના અમુક વિસ્તારોમાં થોડી દુકાનો અને લારીઓ ખુલ્લી જોવા મળી હતી.


ગુરવારે સવારે બોપલ અને ઘુમા વિસ્તારમાં શાકભાજી, ફળવાળા, પ્રોવિઝન સ્ટોર ખુલ્લા દેખાયા હતા. આનાથી વધુ બોપલવાસીઓએ નિયમનું ઉલ્લંઘન કરીને શાકભાજી અને વસ્તુઓ લેવા બહાર નીકળી પડ્યા હતા. આ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં શાકભાજી વેચનારા દેખાયા હતા. આજે સવારે બોપલ નગરપાલિકાના આદેશ છતાં દુકાનોની બહાર લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે આ વિશે તેમને પુછતાં દુકાનદારનો લુલો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જનતા ઉઠાડવા આવી એટલે અમારે દુકાનો ખોલવી પડી છે.


નોંધનીય છે કે, ગઇકાલે શહેરના સારા ગણાતા વિસ્તાર સેટેલાઇટમાં અનેક લોકો કાર લઇ ખરીદી કરવા નીકળી પડયા હતાં. પ્રહલાદનગર રોડ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. તો બીજી તરફ અસારવા સિવિલ આસપાસનો વિસ્તારમાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં હોવા છતાં અહીં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ખરીદી કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.