

પ્રણવ પટેલ, અમદાવાદ: હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગ તરફથી ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જો ક્યાંય મચ્છરોના બ્રીડિંગ મળે તો જે તે એકમ સામે કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદમાં AMC હેલ્થ વિભાગ તરફથી અનેક જગ્યાએ તપાસ હાથધરીને મચ્છરના બ્રીડિંગ પકડી પાડવામાં આવ્યા છે. જે બાદમાં જે તે સાઈટને દંડ આપવાની કે સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ દરમિયાન સોમવારે એએમસીએ કાર્યવાહી કરતા મેટ્રો સાઇટને સીલ કરી દીધી છે.


શહેરની કામા હોટલની પાછળ રિવરફ્રન્ટ પર આવેલી મેટ્રો પ્રોજેકટની સાઇટ પર AMC મધ્ય ઝોન હેલ્થ વિભાગની ટીમે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું. જે બાદમાં તંત્ર તરફથી સાઇટને જ સીલ કરી દેવામાં આવી હતી.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વોર્ડમા ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતી સાઇટો પર તવાઇ બોલાવી સીલ કરવા સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ શાહપુર વિસ્તારમાં આવેલી કામા હોટલના પાછળના ભાગમાં મેટ્રો દ્વારા પ્રોજેક્ટ કામગીરી ચાલી રહી છે. અહીં એએમસી દ્વારા ચેકિંગ કરતા મોટા પ્રમાણમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. જે બાદમાં તંત્રએ પ્રોજેક્ટની કામગીરી બંધ કરાવી હતી અને ઓફિસ સહિત મેન ગેટ પણ સીલ મારું દીધું હતું.


મચ્છર કરડવાનું કારણ શું?: મચ્છરો સામાન્ય રીતે માણસની શ્વાસોશ્વાસની ક્રિયાથી બહાર છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડથી તેમના સુધી પહોંચે છે. એક મીટર સુધી નજીક પહોંચીને શરીરની ગરમીથી મચ્છર નક્કી કરે છે કે જે તે વ્યક્તિને કરડવું છે કે નહીં? 5થી 15 મીટર દૂરના અંતરેથી જ મચ્છરને મનુષ્યની હાજરી ખબર પડે છે. જે બાદમાં તેઓ મનુષ્યની વધારે નજીક આવે છે. એક મીટર દૂર રહીને કરડવું કે નહીં તે નક્કી કરે છે.


મેલેરિયાથી મોત: 2014થી 2015માં મચ્છરોથી થનારી બીમારી મેલેરિયાના કેસ લાખોની સંખ્યામાં આવ્યા. પણ 2016થી 2018ની વચ્ચે તેની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. 2014માં મેલેરિયાથી 562 લોકોનાં મોત થઇ, જ્યારે 2018માં આ આંકડો 85 રહ્યો હતો.


ડેંગ્યૂથી મોત: તાજેતરના વર્ષોમાં ડેન્ગ્યૂના કેસ દેશમાં સૌથી વધુ જોવા મળ્યા છે. 2017 આ આંકડો ખૂબ વધી ગયો હતો. 2017ના વર્ષમાં ડેન્ગ્યૂના કેસનો આંકડો 1.88 લાખને પાર થઈ ગયો હતો, જ્યારે મોતનો આંકડો 325 રહ્યો હતો. 2018ના વર્ષમાં ડેંગ્યૂના કેસ અને મોતના આંકડામાં ઘટાડો થયો હતો. આ વર્ષ દરમિયાન દેશમાં ડેંગ્યૂના એક લાખ કેસ નોંધાયા હતા જ્યારે 172 લોકોનાં મોત થયા હતા.