

દીપિકા ખુમાણ, અમદાવાદઃ સામાન્ય રીતે ગુનાઓની સજા કાપવા માટે જેલમાં મોકલવામાં આવે છે. જ્યાંથી લોકો પોતાની સજા કાપીને ઘર પરત ફરતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક એવા કેદી (Prisoner) છે. જેમણે જેલવાસના 8 વર્ષમાં વિવિધ કોર્ષની 31 જેટલી ડિગ્રીઓ (Degrees) મેળવી છે. તેમણે 8 વર્ષની સખત મહેનતના દમ પર ડિપ્લોમા, ડિગ્રી અને સર્ટિફિકેટ અભ્યાસક્રમોની 31 ડિગ્રી હાંસલ કરીને વિશ્વ ખિતા મેળવ્યો છે. 50 વર્ષીય ભાનુ પટેલ નામના આ અમદાવાદીએ (Amdavadi) જેલનું જીવન ભારે હૃદયે વર્ણવ્યું હતું. આ ડિગ્રીઓ મેળવવા માટે ભાનુ પટેલે 8 વર્ષ સુધી પ્રતિકૂળ સંજોગોમાં અડગ મન બનાવ્યું હતું.


મળતી માહિતી પ્રમાણે ભાનુભાઈ પટેલ વર્ષ 19992માં અમેરિકાના મેક્સિકોમાં મેડિકલની ડિગ્રી માટે ગયા હતા. જે દરમિયાન તેમના એક મિત્રએ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં જોબ ચાલુ કરી અને તેનો પગાર ભાનુભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા લાગ્યો બીજી તરફ તપાસ થતાં ભાનુ પટેલ ફેરાનો કેસ એટલે કે દાણચોરીને કેસ થયો અને તેમને ભારત આવ્યા બાદ 8 વર્ષની સજા થઈ.


આ સજાને હસીખુશીથી અપનાવીને ભાનુભાઈએ જેલમાં થતાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી અભ્યાસ કરવા લાગ્યા હતા. જે બાદ તેમણે 8 વર્ષમાં 31 ડિગ્રી મેળવી લીધી એટલું જ નહીં કારાવાસ બાદ તેમણે સરકારી નોકરી પણ મેળવી. આ અંગે વલ્ડૅ રેકોર્ડ ઓર્ગેનાઈઝર પવન સોલંકીના કહેવા પ્રમાણે ભાનુ પટેલે આ અંગે જેલના સળિયા પાછળ સિદ્ધિ અંગે પુસ્તક પણ લખ્યું છે. જે ઘણાં લોકો માટે પ્રેરણા બની રહેશે.


ભાનુ ભાઈ પટેલ વિશ્વના પહેલાં એવાં વ્યક્તિ છે જેમણે કારાવાસ દરમિયાન સૌથી વધુ ડિગ્રીનો રેકોર્ડ મેળવ્યો છે. પડકારને અવસરમાં ફેરવનાર ભાનુ ભાઈ પટેલની કહાની લોકો સુધી પહોંચે તે માટે ભાનુભાઈએ જેલમાં સળિયા પાછળ સિદ્ધિ નામનું પુસ્તક લખ્યું છે. આ અંગે ભાનુ પટેલના કહેવા પ્રમાણે હું હર્ષની લાગણી અનુભવું છું. હું સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.


ત્યારે જેલમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસકેન્દ્રો દ્વારા ચાલતા જુદાં જુદાં અભ્યાસક્રમોમાં, જેલના તદ્દન પ્રતિકૂળ, અણગમતા અને નિષ્ક્રિય વાતાવરણમાં હું ૫૦ વર્ષની ઉમરે અભ્યાસ કરી રહ્યો હતો અને એક પછી એક ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યો હતો ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હું એક વિશ્વ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છું અને મેં અભ્યાસમાં જેલમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. મારો જેલનો અનુભવ જે બીજા બંદીવાનોથી ઘણો જ અલગ પડે છે.


વળી મેં જેલમાં અભ્યાસમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. એ ઘટનાએ પણ મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી અને મારા આ અનુભવને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની મારી અગમ્ય ઇચ્છાને હું રોકી શક્યો નહીં. અંતે આ પ્રેરણાદાયી પુસ્તકનો જન્મ થયો. જેલમાં હાંસલ કરેલી મારી આ સિદ્ધિ વિશેનું પુસ્તક લખવાનો વિચાર અને પ્રેરણા, હું જેલમુક્ત થયો પછી ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.), ગાંધીનગર ખાતે એક વર્કશોપમાં ભાગ લેવા ગયો હતો. ત્યાં એક દક્ષિણ ભારતના રાજ્યની જેલના વડા અને ગુજરાતની જેલોના તે સમયના વડા પી. સી. ઠાકુરસાહેબે મને આપી. તેમણે કહ્યું કે, મારે મારી જેલમાં મેળવેલી શૈક્ષણિક સિદ્ધિઓ વિશે એક પુસ્તક લખવું જોઈએ, જેથી જેલના બંદીવાનો, વિદ્યાર્થીઓ અને જીવનમાં સફળતા અને સિદ્ધિ મેળવવા ઉત્સુક વ્યક્તિઓને પ્રેરણા મળે.