સંજય ટાંક, અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના 69માં પદવીદાન સમારોહમાં 56 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પરંતુ આ પદવીદાન સમારોહમાં સૌથી ચર્ચાસ્પદ રહ્યા 70 વર્ષના જયશ્રીબેન શાહ. જેમણે સંસ્કૃત વિષયમાં એમએ કર્યું અને 75 ટકા પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 70 વર્ષના જીવનના અમૂલ્ય એવા 21 વર્ષ સતત અભ્યાસ પાછળ જ આપ્યા છે. ભણવાની કોઈ ઉંમર નથી હોતી તે વાત જયશ્રી બેન માટે સચોટ બેસે છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 69માં પદવીદાન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં 151 વિદ્યાર્થીઓને 275 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ. આર. શાહ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જયશ્રીબેન મુગટલાલ શાહે સંસ્કૃત વિષય માંથી MA કર્યું હતું.
તેઓએ જણાવ્યું કે મારી ગ્રાન્ડ ડોટર ધોરણ 10માં અભ્યાસ કરે છે. અમે બંને અભ્યાસ માટે સાથે વાંચવા બેસતા હતા. મને અભ્યાસમાં નાનપણથી રુચિ છે. મારા 70 વર્ષના જીવનકાળના 21 વર્ષ મેં અભ્યાસ પાછળ ખર્ચ્યા છે. વર્ષ 1973માં BSc કર્યુ હતું. 33 વર્ષ શિક્ષક તરીકે જોબ કરી અને છેલ્લે તેઓ ક્લોલની શાળામાં પ્રિન્સિપાલ તરીકે રિટાયર્ડ થયા હતા. 21 વર્ષના અભ્યાસ દરમિયાન તેઓએ કમ્પ્યુટરના અને આંબેડકર યુનિવર્સિટીમાં ચાલતા કોર્ષ પણ કર્યા છે.
ઈંગ્લીશ લિટરેચર વિથ BAમાં દિવ્યાંગ વિધાર્થિની રાધી હિમાનશીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પોતે આંખે દેખી ન શકતી હોવાથી તેની ફ્રેન્ડ તેની માટે વાંચન કરતી હતા. હિમાનશી પોતાની સફળતા માટે પરિવારને શ્રેય આપે છે. પરિવારમાં દાદી તેમજ માસી અને માસા તેમજ નાની બહેન પણ દિવ્યાંગ છે. પરિવારના સભ્યો હિમાનશીના અભ્યાસ માટે અડધી રાત્રે પણ ઉઠીને વાંચન કરતા હતા. તેનું કહેવું છે કે અભ્યાસ કરો તો ગમે તેવો હાર્ડ વિષય આસાન થઈ જાય. તેને આગળ IAS બનવાની ઈચ્છા છે.
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ એમ આર શાહએ જણાવ્યું હતું કે આ મારા માટે ગૌરવ પૂર્ણ ઘટના છે કે મને યુવાનોના આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યો. આનાથી મોટું કોઇ અહોભાગ્ય નથી કે હું તમારામાંથી એક છું. એક ગુજરાતી હોવાનો મને ગર્વ છે. તેમણે ડિગ્રી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે સમાજમાં જઈને તમારે સિદ્ધ કરવાનું છે કે યુનિવર્સિટીએ તમને ડીગ્રી આપી છે એ બરોબર છે કે નહીં. દિક્ષાંત એ અભ્યાસનો નિચોડ હોય છે. ગુરુઓ પાસે જે જ્ઞાન હતું તે આપને સોંપી દીધું હવે જવાબદારી તમારી છે.