

અમદાવાદ : આજે એટલે રવિવારે અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શૉનો (Ahmedabad Flower show) છેલ્લો દિવસ છે. આ અત્યાર સુધીમાં મ્યુનિ.ને આ થકી 1.66 કરોડ રૂપિયાની આવક થઇ છે. જ્યારે આ પાછળ તંત્રએ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આજે સાંજે રિવરફ્રન્ટ ખાતેનાં ફ્લાવર શોનું સોળમા દિવસે સમાપન થશે. ત્યારે મ્યુનિ. તંત્ર એવી આશા રાખી રહ્યું છે કે, સમાપનના દિવસે શહેરીઓ ખૂબ મોટી સંખ્યામાં ઊમટશે. આ માટે ખાસ વ્યવસ્થા તંત્ર પણ ગોઠવવામાં આવ્યું છે.


ફ્લાવર શોનાં સમાપનનાં આગલા દિવસે મ્યુનિ. ગાર્ડન વિભાગનાં ડાયરેક્ટર જિગ્નેશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, ગત તારીખ ચોથી જાન્યુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોમાં પંદરમાં દિવસ દરમિયાન કુલ પાંચ લાખ પાંસઠ હજાર નાગરિકોએ મુલાકાત લીધી. જેથી મ્યુનિ. કોર્પોરેશનને રૂ. 1 કરોડ 55 લાખ 98 હજારની આવક થઇ છે. આ દિવસોમાં કુલ એક લાખ જેટલા વાહનો પાર્કિંગ પ્લોટમાં પાર્ક થયા હતા.


તેમણે જણાવ્યું કે, સૌથી વધુ મુલાકાતીઓ એટલે કે 81 હજાર મુલાકાતીઓ રવિવાર તારીખ 12મીનાં રોજ ફ્લાવર શો નિહાળવા આવ્યા હતા. ઉત્તરાયણના દિવસે 51 હજાર અને વાસી ઉત્તરાયણના દિવસે 56 હજાર મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળ્યો હતો. આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચશે તેવુ માનવામાં આવી રહ્યું છે.


નોંધનીય છે કે, શનિવાર અને રવિવારના રોજ ફ્લાવર શોની ટિકિટનાં દર તમામ માટે 50 રૂપિયા અને સોમથી શુક્રવાર સુધી 12 વર્ષથી નીચેની વયના બાળકો માટે રૂ. ત્રણ અને પુખ્તવયની વ્યક્તિઓ માટે રૂ. 50 રાખવામાં આવી હતી. સોમથી શુક્રવાર દરમિયાન સિનિયર સિટિઝન્સ માટે કોઈ ફી રાખવામાં આવી ન હતી.