વિભુ પટેલ, અમદાવાદ: બર્ડ ફ્લૂની દહેશત (Bird flue fear in Ahmedabad) વચ્ચે અમદાવાદના નારોલ વિસ્તાર (Narol area)માં છેલ્લા ત્રણ દિવસથી ટપોટપ કબૂતરોનાં મોત (Pigeion death) થઈ રહ્યા છે. ત્રીજી ફેબ્રુઆરીના રોજ 50 જેટલા કબૂતરના મોત થતા નારોલ વિસ્તારના લોકોએ પશુપાલન વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ પશુપાલન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા જે કબૂતરોનાં મોત થયા હતા તેમના સેમ્પલ ભોપાલની લેબ (Bhopal lab)માં મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટની હાલ રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ કબૂતરોના મોતનું કારણ જાણવા મળશે.
બીજી કબૂતરના મોત થવાનું પ્રાથમિક કારણ પણ જાણી શકાતું નથી. કારણ કે બર્ડ ફ્લૂની ગાઈડલાઈન પ્રમાણે પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી. આથી હાલ તંત્ર ભોપાલની લેબમાંથી રિપોર્ટ આવે તેની રાહ જોઈએ રહ્યું છે. નાયબ પશુપાલન નિયામક ડો. એસ.બી.ઉપાધ્યાયે આ અંગે જણાવ્યું છે કે, અમદાવાદના નારોલ વિસ્તારની અલગ અલગ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસમાં 196 કબૂતરનાં મોત થયા છે. રહેણાંક વિસ્તારમાંથી કબૂતરનાં મોત થઈ રહ્યા છે. આ કારણે લોકોમાં ભય ન ફેલાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
સાથે જ તંત્ર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે ગેલેરી અથવા છત પર મૃત કબૂતર મળી આવે તો તેને અડશો નહીં. આવું હોય ત્યારે પશુપાલન વિભાગને જાણ કરવી. આ ઉપરાંત જ્યાંથી પણ મૃત કબૂતર મળે છે ત્યાં ટીમ પણ પીપીઇ કીટ પહેરીને જ કામગીરી કરે. એટલું જ નહીં, મૃત કબૂતર મળે ત્યાં સેનિટાઈઝની કામગીરી પણ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે હાલ દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. બર્ડ ફ્લૂને કારણે અનેક પક્ષીઓ મરી રહ્યા છે. જોકે, બર્ડ ફ્લૂ મનુષ્યમાં ફેલાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ તકેદારીના ભાગરૂપ લોકોને વિવિધ સૂચનો આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં જ્યાં મરઘીઓમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે ત્યાં ચીકન અને ઇંડાની દુકાનો પણ બંધ કરાવવામાં આવી છે. અમદાવાદમાં કબૂતરોના મોતને પગલે ચિંતા ફેલાઈ છે.