વિભુ પટેલ, અમદાવાદ: છેલ્લા 10 મહિનાથી કોરોના સામે જંગ જીતવા માટે મહેનત ચાલી રહી છે. અમદાવાદ સહિત શહેરોમાં કોરોનાનાં દર્દીઓને દાખલ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે ખાનગી હૉસ્પિટલો સાથે પણ કરાર કરવામાં આવ્યા હતા. અમદાવાદ, રાજકોટ સુરતમાં ખાસ કોવિડ હૉસ્પિટલો (Covid hospitals) ઊભી કરવામાં આવી હતી. જોકે, હાલ કોરોના કંટ્રોલમાં છે. આથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલ કૅમ્પસ (Ahmedabad civil hospital campus)માં આવેલી મહિલા અને બાળ રોગની 1,200 બેડ હૉસ્પિટલને પૂર્વવત કરવામાં આવી છે. આ હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. આજે આ હૉસ્પિટલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. સાથે જ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી બધાનું સ્વાસ્થ્ય સારું રહે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કોરોનાનો પહેલો કેસ 19 માર્ચ, 2020 આવ્યો હતો. ત્યાર બાદ કોરોના કેસની સંખ્યા વધવા લાગી હતી. જે બાદમાં મહિલા અને બાળ રોગની 1,200 બેડની હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. અહીં સાતમી એપ્રિલથી કોરોનાના દર્દીઓને જ સારવાર આપવામાં આવતી હતી. અહીં છેલ્લા 10 મહિનાથી કોરોનાં દર્દીઓની સારવાર કરાઈ રહી હતી. પરંતુ આજથી 1,200 બેડ હોસ્પિટલમાં સત્યનારાયણની કથા કરી નૉન કોવિડ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે. પી. મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં માટે 1,200 બેડની હોસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. અત્યારે 32 દર્દી છે. 1,200 બેડની હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. હવે કોરોનાનાં કેસ કંટ્રોલમાં છે ત્યારે મધર અને ચાઈલ્ડ હૉસ્પિટલને ફરી પૂર્વવત કરવામાં આવી છે.