21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં યોગ દિવસ મનાવવાની શરૂઆત થઈ છે, ધીરે ધીરે અનેક દેશોએ યોગને અપનાવ્યા છે. જે તન અને મનને સ્વસ્થ રાખે છે. અનેક યોગાસન એવા છે કે જે માસિકધર્મ દરમિયાન થતા દુખાવાથી રાહત આપે છે. નિયમિતરૂપે યોગાસન કરવાથી તમારા સ્વાસ્થ્યને લાભ થઈ શકે છે. અહીં એવા યોગાસનની જાણકારી આપવામાં આવી છે, જે તમને માસિકધર્મ દરમિયાન થતા દુખાવાથી રાહત આપે છે. (All images- shutterstock)
બટરફ્લાય આસન- બટરફ્લાય આસનને તિતલી આસન પણ કહે છે. મહિલાઓ માટે આ આસન વિશેષરૂપે લાભકારી છે. બટરફ્લાય આસન કરવા માટે પગને સામેની તરફ ફેલાવીને બેસો અને કરોડરજ્જૂને સીધી રાખો. ત્યારબાદ ઘુંટણને વાળો અને પગને અંદરની તરફ લાવો. બંને હાથથી પગને પકડી લો. તમારા બંને હાથને પગ નીચે રાખી શકો છો. એડી જનનાંગો તરફ બને તેટલું નજીક લાવો. ઊંડા શ્વાસ લો, શ્વાસ છોડતા સમયે તમારા સાથળને જમીન તરફ દબાવવાનો પ્રયાસ કરો. પતંગિયાની પાંખોની જેમ બંને પગને હલાવવાનું શરૂ કરો ત્યાર બાદ તેની સ્પીડ વધારો. શ્વાસ લો અને શ્વાસ છોડો. શરૂઆતમાં તમારાથી થાય તેટલો સમય આ આસનનો અભ્યાસ કરો, ત્યાર બાદ ધીરે ધીરે અભ્યાસનો સમય વધારવો.
ઉષ્ટ્રાસન- સૌથી પહેલા યોગ મેટ પર ઘુંટણના આધાર પર બેસો અને બંને કુલ્લા પર બે હાથ રાખો. ઘુંટણ અને ખભાને સમાંતર રાખો તથા પગના તળિયાને આકાશ તરફ રાખો. શ્વાસ લેતા સમયે કરોડરજ્જૂને સ્ટ્રેચ કરો અને નાભિ પણ સ્ટ્રેચ થવી જોઈએ. ગળા પર પ્રેશર આપ્યા વગર આ જ રીતે બેસો અને શ્વાસ લેતા રહો. શ્વાસ છોડતા છોડતા તમારી પ્રારંભિક સ્થિતિમાં આવી જાવ. હાથને ફરીથી કમર પર મુકો અને સ્ટ્રેઈટ થઈ જાવ.
માર્જારી આસન- માર્જારી આસનમાં તમારે આગળની તરફ નમવાનું અને પાછળની તરફ વળવાનું રહે છે. કેટ વોક સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે અને અહીંયા કેટ પોઝની જાણકારી આપવામાં આવી છે. આ આસન તમારા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. આ આસન કરવાથી તમારી કરોડરજ્જૂ સ્ટ્રેચ થાય છે. આ આસન કરવાથી પીઠનો દુખાવો, કમરનો દુખાવો અને ગરદનના દુખાવાથી રાહત મળે છે.
પશ્ચિમોતાનાસન- આ આસન કરવા માટે સૌથી પહેલા જમીન પર બેસો. બંને પગને સામે તરફ ફેલાવીને બેસો. પીઠની માંસપેશીઓને એકદમ ઢીલી છોડી દો. શ્વાસ લેતા તમારા હાથને ઉપરની તરફ લઈ જાવ. શ્વાસ છોડતા સમયે આગળની તરફ વળો અને નાકને ઘુંટણને અડાડવાની કોશિશ કરો. ધીમે ધીમે શ્વાસ લો અને છોડો. ત્યાર બાદ ફરીથી એ જ પરિસ્થિતિમાં આવી જાવ અને ફરીથી આ જ પ્રક્રિયા કરો. આ પ્રકારે 3થી 5 વાર કરો.
વજ્રાસન- પગને જમીન પર ફેલાવીને બેસો અને બંને હાથને શરીરની બાજુમાં રાખો. ડાબા પગને ઘુંટણથી વાળો અને ડાબા કુલ્લાની નીચે રાખો. એ જ રીતે જમણા પગને ઘુંટણથી વાળો અને જમણા કુલ્લાની નીચે રાખો. એડીને એ રીતે રાખો જેનાથી પગની મોટી આંગળીઓ બીજી આંગળી પર ના ચઢે. ત્યાર બાદ આંખો બંધ કરી લો અને આ જ અવસ્થામાં પાંચથી દસ મિનિટ સુધી બેસો. વજ્રાસનથી કમરના દુખાવાથી રાહત મળે છે.