લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉનાળા દરમિયાન ઘણા ફળો (summer fruit), શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરીને કાળઝાળ ગરમી સામે રાહત મેળવી શકાય છે. તેમાંથી એક છે તરબૂચ. ઉનાળામાં તરબૂચ (Watermelon)ની માગમાં જબ્બર ઉછાળો જોવા મળે છે. તરબૂચ ખાવાથી શરીરમાં ઠંડક અનુભવાય છે. તેમાં આવશ્યક વિટામિન્સ અને ખનિજો હોય છે. જેનાથી સ્વાસ્થ્યને ઘણા લાભ (health benefits) થાય છે. તરબૂચ સ્વાસ્થ્ય (Health) માટે તો સારું છે જ સાથે ત્વચાને પણ તંદુરસ્ત રાખી શકે છે. રસદાર અને સ્વાદિષ્ટ તરબૂચને આહારમાં કાચા અથવા તાજા રસના રૂપમાં લઈ શકાય છે. તરબૂચમાં રહેલી પાણીની ઉંચી માત્રા ચમત્કારિક અસર પહોંચાડે છે. ત્યારે તરબૂચ શા માટે ઉનાળાનું શ્રેષ્ઠ ફળ છે? તે અંગે એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના કેટલાક અંશો અહી આપવામાં આવ્યા છે.
વજન ઘટાડવામાં મદદરૂપ- તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોયછે અને તે પાચન માટે સારું છે.તે વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક થાય છે. જો તમે તરબૂચ સહિત ફ્રૂટસલાડનો બાઉલ ખાઓ તો વજન ઓછું કરવું વધુ સરળ લાગે છે. તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને ચરબીને ઝડપથી બર્ન કરી શકે છે. તમે તેને કાચું ખાઈ શકો છો અથવા ઘરે તાજા તરબૂચનો રસ બનાવી શકો છો.
પાણીનું ઊંચું પ્રમાણ- તરબૂચમાં પાણીનું પ્રમાણ 92 ટકા હોય છે. તે તમારા શરીરને યોગ્ય રીતે હાઇડ્રેટ કરે છે અને તેમાં ચરબી પણ ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં તરબૂચનો નાનો બાઉલ કે સ્લાઇસ લેવાથી તમારા શરીરને અનેક ફાયદા થઇ શકે છે. પાણીયુક્ત ફળો અને શાકભાજી તમારા શરીરને હાઇડ્રેટ કરી શકે છે અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ જેવા રિહાઇડ્રેશન ક્ષારો પણ પૂરા પાડે છે.
હૃદયની તંદુરસ્તી સુધારે- અમુક અભ્યાસો અનુસાર, તરબૂચમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરતું લાઇકોપીન હોય છે. આમ તે હૃદયની તંદુરસ્તી સુધારે છે. હૃદયની તંદુરસ્તી સુધારવા અને રક્તવાહિનીના રોગને રોકવા માટે તમે તરબૂચનું સેવન કરી શકો છો. તેમાં સાઇટ્રલિન પણ હોય છે. તે એક પ્રકારનું એમિનો એસિડ છે. તે તમારા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડના સ્તરને વધારી શકે છે. એમિનો એસિડ તમારી રક્તવાહિનીઓને ખોલે છે. પરિણામે બ્લડ પ્રેશર ઘટે છે.
ત્વચાને ટનાટન રાખે- તરબૂચમાં પાણીની માત્રા વધુ હોવાને કારણે તે ત્વચા અને વાળને ટનાટન રાખી શકે છે. તે વિટામિન એ અને સીનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે, જે તમારી ત્વચાને સ્વસ્થ બનાવી શકે છે. તે ત્વચાના કોષોને સુધારવામાં મદદ કરે છે અને તેમને વધારવા માટે પ્રોટીન પૂરું પડે છે. દરરોજ ઘરે બનાવેલ તરબૂચનો તાજો રસ પીવાથી ત્વચાને સૂર્યના કિરણોથી બચાવી શકાય છે અને તે વધુ નરમ અને ચમકદાર દેખાય છે.