

આવતીકાલે શ્રાવણનો પહેલો સોમવાર છે. તો મોટાભાગનાં લોકો ભગવાન શિવને રિઝવવા માટે સોમવારનો ઉપવાસ કરશે. તો આપણે ઉપવાસમાં ખાઇ શકાય તેવી ફરાળી વાનગી બનાવતા શીખીએ. આજે આપણે ઉપવાસમાં ખવાય અને સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipith) બનાવતા શીખીશું. પરંતુ તે પહેલા સાબુદાણા અંગે થોડુ જાણી લઇએ. સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ જ છે. પ્રોટીન, વિટામિન કે મિનરલ્સ નથી, પણ તે સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાની વિવિધ વાનગીઓ ઉપવાસમાં ખાઇ શકાય છે. તેમાં આવતું કાર્બોહાઇડ્રેટ ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે. તેમાં બદામ, સિંગ નાખીને વધુ પોષક બનાવી શકાય. મલાઈ વિનાના દૂધમાં બનાવેલી સાબુદાણાની ખીરમાં ખાંડ ઓછી હોય તો પેટ ભરાવા સાથે શરીરને પોષકતત્વો પણ મળી રહે છે.


સાબુદાણા થાલીપીઠમાં જોઇતી સામગ્રી : 1 કપ સાબુદાણા (2કલાક પલાડેલ ), 2 બાફેલા બટેકા , 2 ચમચી શિંગદાણાનો ભૂકો, 2 ચમચી રાજગરાનો લોટ, 1/4 ચમચી મરી પાવડર, 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જીરૂ પાવડર (શેકેલું ), 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ, 2 ચમચી સમારેલી કોથમીર, સિંધવ મીઠું જરૂર મુજબ, તેલ કે ઘી શેકવા માટે.


સાબુદાણા અને બાફેલા બટેકાને મિક્ષ કરી લેવા. ત્યાર બાદ તેમા શિંગદાણાનો ભૂકો, રાજગરાનો લોટ, મરી પાવડર, જીરૂ પાવડર, લાલ મરચું પાવડર, આદુ મરચાની પેસ્ટ, કોથમીર અને જરૂર મુજબ મીઠું ઉમેરી હાથથી લોટ બાંધવો. પાટલા પર પોલીથીન કે ફોઇલ પર હાથથી ગોલ શેપ બનાવવો અને મધ્યમાં એક કાણું કરવું. તમારે કાંણુ કરવું હોય તો કરી શકો ન કરવું હોય તો ન કરો.