

લાઇફસ્ટાઇલ : આજે વિશ્વ મહિલા દિવસ (International Womens Day) છે. તો આજે આપણે મહિલાઓને જરૂરી એવા કયા કયા આહાર છે તે અંગે થોડી વાત કરીશું. અત્યારનાં સમયમાં એકપણ એવી જગ્યા નથી જ્યાં મહિલાઓનો દબદબો નથી. પોતાની પ્રોફેશલ લાઇફ સાથે મહિલાઓ ઘરનું પણ ધ્યાન રાખે છે. ત્યારે તે પોષણક્ષમ આહાર લે તેવું જરૂરી છે. જો તમારે આજે પોતાના પરિવારની મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ આપવી હોય તો તેઓ કેવો આહાર લે છે તેની પર ધ્યાન આપો. મહિલાઓનું સ્વાસ્થ્ય સારૂં હશે તો તે ગમે તે ફિલ્ડમાં સારૂં કરી શકે છે. તો આજે આપણે જોઇએ કે કઇ વસ્તુઓને દરેક મહિલાએ પોતાના આહારમાં ઉમેરવી જોઈએ.


ખજૂરને દરેક રીતે સંતુલિત ખોરાક ગણવામાં આવી છે. ખજૂરમાં દરેક જાતના પોષક તત્વો ભરપૂર રહેલા છે. ખજૂરમાંથી ચરબી, પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, કેલ્શિયમ, ફોસ્ફરસ મળી આવે છે. વિટામિન એ, બી અને સી તથા પ્રોટીન, લોહતત્ત્વ, પોટેશિયમ અને સોડિયમ જેવા તત્ત્વો પણ ખજૂરમાં સારા પ્રમાણમાં મળી આવે છે જે સ્ત્રીઓમાં ઉર્જા વધારે છે.


પાલકમાં વિટામિન કે ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે. આ તત્વો શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આમ પણ પાલકનું સેવન બહુ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. જેથી પ્રત્યેક સ્ત્રી જો પાલક કે તેના સૂપનું સેવન કરે તો તેમને માટે ઘણું સારું રહે છે.


બટાકા ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. શક્કરિયા પણ બટાકાનો જ એક પ્રકાર છે. જેમાંથી ભરપૂર માત્રામાં એનર્જી મળતી હોય છે. આ સાથે જ તેમાં વિટામિન એ અને બી પણ હોય છે. શરીરમાં જરૂરી માત્રામાં ગ્લૂકોઝની પૂર્તિ કાર્બોહાઈડ્રેટ જ કરી શકે છે અને શરીરને ઊર્જાવાન રાખવા માટે ગ્લૂકોઝનું યોગ્ય પ્રમાણ અત્યંત જરૂરી છે.


કેળાનું સેવન મહિલાનાં શરીરને શક્તિ આપે છે. જેનાથી મહિલાઓ આખો દિવસ કંઈપણ ખાધા વિના રહી શકે છે. એમા પણ જો કેળાનું સેવન કાળા મરીનો પાઉડર ભભરાવીને કરવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. તો સ્ત્રીઓએ રોજ કેળુ તો ખાવું જ જોઈએ.


મધ તો અનેક રીતે ઉપયોગી એક શ્રેષ્ઠ ઔષધી છે. મધમાં કુદરતી મીઠાશ હોય છે જે શરીરને ઊર્જાસભર રાખે છે. આનાથી શરીરમાં કેલરીની માત્રા પણ વધતી નથી. જેથી સ્ત્રીઓ એનર્જી માટે મધનું સેવન કરી શકે છે.


સ્ત્રીઓ માટે સફરજનનું સેવન બહુ ફાયદાકારક હોય છે. સફરજનમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. સાથે જ તેમાંથી ફાઈબર પણ મળી રહે છે. જે શરીરને ઊર્જાવાન રાખે છે તો સ્ત્રીઓ રોજનું એક સફરજન ખાય તે જરૂરી છે.