રાજગરાનો (Rajgira) આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજગરાના સ્વાસ્થ્ય માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળે છે
રાજગરાનો લાડુ બનાવીને તમે રોજ ખાઇ શકો છો. તો તેના માટેની રીત જોઇએ. સામગ્રી- 1 વાટકી રાજગરો, 1 વાટકી ગોળ, 2 ચમચી ઘી. સૌ પ્રથમ એક જાડી કઢાઈ લો ને તેને ગેસ પર ગરમ મૂકો. તેમાં એક મૂઠી રાજગરો નાખી કપડાથી હળવા હાથે દબાવો. રાજગરાની ધાણી ફૂટી જશે પછી એ ધાણીને એક બીજા વાસણમાં કાઢી, આમ બધા જ રાજગરાની ધાણી ફોડો. હવે એક કઢાઈમાં ઘી લઈ તેમાં ગોળ નાખી ઓગાળો. ગોળ ઓગળે પછી 1 મિનિટ જ હલાવવું અને રાજગરાની ધાણી નાખી હલાવવું. બધુ મિક્સ કરી એક થાળીમાં કાઢી, હથેળીમાં થોડૂંક પાણી લગાવીને મિશ્રણમાંથી લાડુ બનાવી લો. તો તૈયાર છે રાજગરાના લાડું.