ચહેરા અને વાળના સૌંદર્ય માટે વર્ષોથી મહિલાઓ મુલતાની માટીનો ઉપયોગ કરે છે. હવે તો માર્કેટમાં જુદી-જુદી બ્યુટી પ્રોડક્ટ્સ આવી ગઈ છે તેમ છતાં સૌંદર્ય માટે કુદરતી મુલતાની માટીનો મહિમા ઓછો થયો નથી એનાં ઘણાં કારણો છે. આ કોઈ સામાન્ય માટી નથી, એની ગણના ઔષધિમાં પણ થાય છે. માત્ર સૌંદર્ય માટે જ નહીં, ચર્મરોગ અને ત્વચાને લગતી અનેક સમસ્યામાં મુલતાની માટી રામબાણ ઇલાજ છે. આ માટીને અંગ્રેજીમાં ફુલર્સ અર્થ તરીકે ઓળખવામાં આવે છે.
ખીલ દૂર કરવા - મુલતાની માટી અને ચંદનનું મિશ્રણ ખીલ-ખાડા અને દાણાની સમસ્યા માટે પ્રભાવી સાબિત થાય છે. આનો ઉપયોગ કરવા માટે સરખા પ્રમાણમાં મુલતાની માટી અને ચંદન લેવું. તમે ઈચ્છો તો એમાં એક ચમચી બેસન પણ મિક્ષ કરી શકો છો. હવે થોડું ગુલાબ જળ મિક્ષ કરીને આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખવું. આ પેક લગાવવાથી ખીલ-ખાડામાંથી તો છુટાકારો મળશે, સાથે જ ત્વચા પણ ચમકદાર બનશે.
તૈલીય ત્વચા - મુલતાની માટી અને મધમાંથી બનેલું પેક ત્વચામાંથી ઓઈલને ત્વચામાં રહેલા ઓઈલને ઓછું કરવા માટે અને હળવું ટોન કરવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે 2 ચમચી મુલતાની માટી, 2 ચમચી મધ અને તેમાં ગુલાબ જળના કેટલાક ટીપાં નાખવા. પછી તેને મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે તેને ફેસ પર 20 મિનિટ માટે લગાવીને પછીથી ઠંડા પાણીથી ધોઈ લેવું.