

નવી દિલ્હી : દેશના અનેક ભાગમાં ગરમી વધી છે. આથી લોકો હવે તેના ઘરોમાં ACનો ઉપયોગ કરવા લાગ્યા છે. સવાલ એ છે કે કોરોનાના સંક્રમણ (Corona Infection) વચ્ચે એસીને કેટલા તાપમાન (AC Temperature) પર ચલાવવું જોઈએ. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ઘરના એસીને કોરોનાથી કોઈ ખતરો નથી પરંતુ સેન્ટ્રલ એસી (Central AC)ને લઈને અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે સેન્ટ્રલ એસીનો ઉપયોગ એક સાથે અનેક લોકો કરતા હોય છે.


યોગ્ય તાપમાન : ગત સોમવારથી કેન્દ્ર સરકારની ઑફિસો ખુલવાની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેન્દ્રીય લોક નિર્માણ ભવન વિભાગ (CPWD) તરફથી પોતાના બિલ્ડિંગમાં એસીના ઉપયોગ માટે એક ગાઇડલાઇન (માર્ગદર્શિકા) જાહેર કરવામાં આવી છે. હકીકતમાં આ ગાઇડલાઇન ISHRAE તરફથી તૈયાર કરવામાં આવી છે. આ એ સંસ્થા છે જે દેશમાં એસી અને ફ્રીજના ક્વોલિટી કંટ્રોલ પર ધ્યાન રાખે છે. ગાઇડલાઇન પ્રમાણે એસીનું તાપમાન 24-30 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ. આ દરમિયાન હ્યુમિડિટીનું પ્રમાણ 40-70 વચ્ચે રહેવું જોઇએ. આ દરમિયાન પંખાનો પણ ઉપયોગ કરવો જેવાથી હવાની ગતિ ચાલુ રહે.


આ વાત પણ ધ્યાનમાં રાખો : ગાઇડલાઇનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રૂમમાં એસી હોય ત્યાં બારી પણ હોવી જોઈએ, જેનાથી વચ્ચે વચ્ચે તાજી હવે રૂમની અંદર આવતી રહે. આ ઉપરાંત એક્ઝૉસ્ટ ફેનનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે, જેનાથી ખરાબ અને દુષિત હવા બહાર નીકળી શકે. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ગરમીની શરૂઆત થઈ છે ત્યારે એસીનો ઉપયોગ કરતા પહેલા તેનું સર્વિસિંગ કરાવી લેવું પણ હિતાવહ છે.


ચીનમાં સેન્ટ્રલ એસીથી કોરોના : ગત દિવસોમાં અભ્યાસમાં માલુમ પડ્યું હતું કે ચીનમાં એર કન્ડીશનરને કારણે નવ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ તમામ લોકો એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. અહીં ડીનર પર અમુક લોકો બેઠા હતા. જેમાં એક લક્ષણ રહીત કોરોના સંક્રમિત પણ હતો. રેસ્ટરન્ટમાં ચાલી રહેલા એસીને કારણે નવ લોકોને વાયરસનું સંક્રમણ લાગ્યું હતું. જોકે, રેસ્ટોરન્ટમાં હયાત અન્ય 82 લોકોને કોરોનાને ચેપ લાગ્યો ન હતો.