સીંગની ચીકી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચીકી દરેક બનાવે છે. સામાન્ય રીતે સીંગદાણાને સસ્તી બદામ કહેવામાં આવે છે. તેમાં લગભગ બધા જ પોષકતત્વ હોય છે જે બદામમાં મળે છે. બદામ મોંઘી હોય જયારે મગફળી સસ્તી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તેની માંગ ખાસ વધી જાય છે. ત્યારે શિયાળામાં સીંગદાણાની ચીકી લોકો ખાતા હોય છે. પરંતુ સિંગની ચીકી બનાવતી વખતે અમુક ચીજોનું ધ્યાન ન રખાય તો તે કડક થઈ જાય છે અને ખાવાની મજા નથી આવતી. તો આજે જોઇએ કે, રીતથી ચીકી બનાવશો તો કડક નહિ બને સીંગની ચીકી.
એક કડાઇમાં ગોળ ઉમેરી તેને મોટા તાપે જ બે મિનિટ ગરમ કરો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. ત્યાર પછી ગેસ ધીમો કરી દો અને ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહો. આમ કરવાથી તેના પર સહેજ ફીણ જેવુ વળશે અને તેનો રંગ બદલાઈ જશે. ગેસ બંધ કર્યા પછી પણ થોડો સમય માટે ગોળ હલાવતા રહો. ગોળ આ રીતે પીગાળ્યા બાદ તેમાં શેકેલી સીંગ અને ઘી ઉમેરી તેને બરાબર હલાવી દો.
પ્લેટફોર્મ પર સહેજ ઘી લગાવી ચિક્કી પાથરવાની હોય તેટલો વિસ્તાર ચીકણો કરો. ત્યાર પછી ગોળ-સીંગનું મિશ્રણ પાથરીને વેલણથી કે ફ્લેટ તવાથી તેને ફેલાવી દો. ફેલાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે મિશ્રણ પ્લેટફોર્મ પર ચોંટે નહિ. મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ તે પથરાઈ જાય પછી તરત જ એક ધારદાર ચપ્પાની મદદથી તેમાં એકસરખા ચોરસ ચોસલા પાડી દો. અને પછી મિશ્રણને ઠંડુ પડવા દો. મિશ્રણ ઠંડુ પડે એટલે આ ચોસલા એક પછી એક તોડો.